GST Return:  કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે GST રિટર્ન ફાઇલ કરનારા નાના વેપારીઓ માટે મોટી જાહેરાત કરી છે અને તેમને GSTR-9 ફાઇલ કરવામાંથી મુક્તિ આપી છે. આ ફોર્મ 2 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓએ ભરવાનું હોય છે.જેમાં તેમણે વાર્ષિક રિટર્ન ભરવાનું હતું. હવે નાના વેપારીઓ આ ફોર્મ ભરવાથી મુક્ત થયા છે.






GST ફાઇલિંગમાં 65 ટકાનો વધારો થયો છે


નાણા મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 5 વર્ષમાં GST રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 65 ટકાનો વધારો થયો છે. એપ્રિલ 2023 સુધીમાં GST રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા વધીને 1.13 કરોડ થઈ ગઈ છે. GST હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા હવે 1.40 કરોડ પર પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2018માં માત્ર 1.06 કરોડ હતી.






90 ટકા લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે


નાણા મંત્રાલયે કહ્યું હતું કે GST નિયમો અને પ્રક્રિયાઓ ઘડવાને કારણે લોકોમાં રિટર્ન ભરવાનો ઉત્સાહ વધ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 90 ટકા પાત્ર કરદાતાઓ ફાઇલિંગ મહિનાના અંત સુધીમાં GSTR-3B રિટર્ન ફાઇલ કરી રહ્યાં છે. વર્ષ 2017-18માં GST લાગુ થયા પહેલા આ આંકડો માત્ર 68 ટકા હતો. તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ લોકસભામાં GST ડેટા જાહેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી હતી.


જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને પાર


GST 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા એક ડઝનથી વધુ સ્થાનિક કરનો સમાવેશ કરાયો હતો. GSTR-3B ફાઇલ કરનારાઓની સંખ્યા એપ્રિલ, 2018માં 72.49 લાખથી વધીને એપ્રિલ, 2023 સુધીમાં 1.13 કરોડ થઈ ગઈ છે. નવેમ્બરમાં માસિક GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ છઠ્ઠી વખત છે જ્યારે માસિક ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.