Gutka ban in Gujarat: રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૪થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.


વધુમાં જણાવ્યા અનુસાર ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન ૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે.


આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો, તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.


નોંધનીય છે કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના અનુસાર, વિશ્વભરમાં દર 4 સેકન્ડમાં 1 તમાકુ વપરાશકર્તા પોતાનો જીવ ગુમાવી રહ્યો છે.  1965માં પહેલી ઈલેક્ટ્રોનિક સિગારેટ (e-cigarettes) બની હતી. તેનું પેટન્ટ 2003માં કરાવવામાં આવ્યું. જોકે, ઈ-સિગારેટ્સ પહેલીવાર 2007માં ઉત્તર અમેરિકાના બજારમાં ઉતારવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તે વિશ્વભરમાં 400થી વધુ અલગ-અલગ બ્રાન્ડના નામે વેચાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના અનુસાર, વિશ્વભરમાં ઈ-સિગારેટ પીવાનો દર મોટાઓની સરખામણીમાં બાળકોમાં ઘણો વધારે છે.




વિશ્વભરમાં 130 કરોડ તમાકુ વપરાશકર્તાઓ છે. આ સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે. WHOના અનુસાર, તમાકુનો ઉપયોગ કરનારાઓમાંથી અડધાથી વધુ લોકોએ જીવ ગુમાવવો પડે છે. દર 4 સેકન્ડમાં 1 તમાકુ વપરાશકર્તાનો જીવ લઈ રહ્યો છે. જ્યારે, 13થી 15 વર્ષના 3.7 કરોડથી વધુ કિશોરો ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં ભરપૂર માત્રામાં તમાકુ હોય છે. ક્લીવલેન્ડ ક્લિનિક પર છપાયેલી એક રિપોર્ટ અનુસાર, ઈ-સિગારેટમાં રહેલું નિકોટીન અને અન્ય વસ્તુઓ ફેફસાં ઉપરાંત તમારા હૃદય અને મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે. નિકોટીન મગજના વિકાસને નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ પ્રેશર વધારી શકે છે અને તમારી ધમનીઓના માર્ગને સાંકડો બનાવી શકે છે.


આ પણ વાંચોઃ


મને દીકરી કહેતો હતો અને મારી પાસેથી જ બાળક ઇચ્છતો હતો...' એક્ટ્રેસે દિગ્દર્શક પર મૂક્યો બળાત્કારનો આરોપ