નવી દિલ્હીઃ અમેરિકાની દિગ્ગજ બાઇક નિર્માતા કંપની હાર્લે ડેવિડસન ભારતમાં પોતાનો કારોબાર સમેટવા જઈ રહી છે. કંપનીએ તેના ખર્ચમાં 75 મિલિયન ડોલરના ઘટાડાની યોજના બનાવી છે. જેમાં ભારતમા મેન્યુફેક્ચરિંગ બંધ કરી રહી છે.


કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું, કેટલાક આંતરરાષ્ટ્રીય બજારમાંથી બહાર નીકળવા અને ભારતમાં વેચાણ તથા ઉત્પાદન કાર્યને બંધ કરી રહી છે. બે મહિના પહેલા હાર્લે ડેવિડસને અમેરિકા જેવા લાભદાયક મુખ્ય બજારો પર ફરી ધ્યાન કેન્દ્રીત કરવાની રણનીતિનો ખુલાસો કર્યો હતો.

કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું કે, મહત્વપૂર્ણ બજાર પર ધ્યાન કેન્દ્રીત કરશે અને જે દેશોમાં વેચાણ અને નફો રોકાણ મુજબ નથી ત્યાંથી નીકળવાની કોશિશ કરશે. ભારતીય બજારમાં 10 વર્ષ પહેલા પ્રવેશ કરનારી હાર્લે ડેવિડસને રોકાણ છતાં બજારમાં પકડ બનાવી શકી નહોતી.

નાણાકીય વર્ષ 2019-2020માં કંપનીએ ભારતમા 2,500 બાઇકનું વેચાણ કર્યું હતું. ચાલુ વર્ષે કોરોના મહામારી અને ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે એપ્રિલથી જૂન સમયગાળામાં કંપનીએ માત્ર 100 બાઇક વેચ્યા હતા. જુલાઈમાં બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થયા બાદ કહ્યું કે, કંપની આંતરરાષ્ટ્રીય બજારમાંથી બહાર નીકળવાની યોજનાનું મૂલ્યાંકન કરી રહ્યું છે.