Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'
જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.
હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટ પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે સાથે મળીને દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થાય છે અને રવિવારે હોબાળો થાય છે. તેથી સોમવારે મૂડીબજારમાં અસ્થિરતા આવે છે. તેમણે કહ્યું કે ભારત શેરબજાર મામલે સુરક્ષિત, સ્થિર અને આશાસ્પદ બજાર છે. બજારને સરળ રીતે ચલાવવાની કાનૂની જવાબદારી સેબીની છે. જ્યારે સેબીએ તેની તપાસ પૂર્ણ કર્યા પછી જૂલાઈમાં હિંડનબર્ગને નોટિસ જાહેર કરી ત્યારે તેણે પોતાના બચાવમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો, જે પાયાવિહોણો આક્ષેપો છે. સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી હતી.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ હિંડનબર્ગના રિપોર્ટ પર કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સેબી, વડાપ્રધાન અને નિર્મલા સીતારમણ ક્યારે જવાબ આપશે? અમે તે તારીખની રાહ જોઈ રહ્યા છીએ. શું તેમણે એ વાતનો જવાબ આપ્યો કે સેબીના ચેરમેન બન્યા પછી પણ તેમણે તેમના ઈમેલ આઈડી પરથી પૈસા માટે મેઈલ મોકલ્યા હતા? સેબીના ચેરમેન બનતા પહેલા, શું તેમણે વિદેશી કંપનીઓમાં તેમના રોકાણનો ખુલાસો કર્યો હતો? શું ભારત સરકારને શંકા હતી કે તેમની કંપનીઓએ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું છે? જો તેમની પાસે આવી માહિતી હતી તો પછી તેમને સેબીના ચેરમેન કેમ બનાવવામાં આવ્યા? જો તેમની પાસે માહિતી ન હતી તો પછી તેઓ સત્તામાં શું કરી રહ્યા છે? જો તેમને આ ખબર ન હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.
હિંડનબર્ગનો નવો રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને દેશનો દુશ્મન પણ ગણાવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે "રાહુલ ગાંધી શરૂઆતથી જ અફવાઓ ફેલાવતા આવ્યા છે. તેઓ દેશના દુશ્મન છે, દેશનો કોઈ પણ દુશ્મન જ અફવા ફેલાવે છે. ક્યારેક તેઓ વિદેશમાં જઈને તેમને વિદેશમાં ફેલાવે છે, હવે તે દેશની અંદર ફેલાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અને જયરામ રમેશ દેશને બદનામ કરી રહ્યા છે. હિંડનબર્ગ સામે કડક પગલાં લેવા જોઈએ. કેટલાક લોકો દેશને બદનામ કરી રહ્યા છે. કેટલાક લોકો દેશદ્રોહી તરીકે કામ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે હિંડનબર્ગના રિપોર્ટ પર કહ્યું હતું કે ભારતમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ઘણા લોકો વિચારે છે કે મોદીજીના નેતૃત્વમાં દેશ આટલી પ્રગતિ કેવી રીતે કરી રહ્યો છે? એટલા માટે ઘણી વખત કેટલાક લોકો દેશને બદનામ કરવા માટે આવી વસ્તુઓ લાવે છે.
ભાજપે તાજેતરમાં જાહેર કરાયેલા હિંડનબર્ગ રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ કોઈપણ વિશ્વસનીયતા વગર બહાર પાડવામાં આવ્યો છે. આ સામાન્ય શૂટ અને સ્ટૂલ કીટ જેવું છે. કારણ બતાવો નોટિસનો બદલો લેવા હિંડનબર્ગે સેબીને નિશાન બનાવ્યું છે. તેમજ નોટીસ પરથી ધ્યાન ભટકાવવાનો અને ખોટી સ્ટોરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પર સેબી ચીફના નિવેદન પર હિંડનબર્ગે કહ્યું- અમારા રિપોર્ટ પર માધબી બુચની પ્રતિક્રિયાથી અનેક નવા મહત્વના પ્રશ્નો ઉભા થયા છે. બુચનું નિવેદન વિનોદ અદાણી દ્વારા કથિત રીતે ઉચાપત કરાયેલા નાણાં તેમજ અસ્પષ્ટ ફંડ માળખામાં તેમના રોકાણની પુષ્ટી કરે છે. તેમણે એ વાતની પણ પુષ્ટી કરી કે આ ફંડ તેમના પતિના બાળપણના મિત્ર દ્વારા ચલાવવામાં આવતું હતું, જે તે સમયે અદાણી ગ્રુપના ડિરેક્ટર હતા.
શનિવારે સવારે હિંડનબર્ગ રિસર્ટ રિપોર્ટે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યુ હતું કે- Something Big Soon India... આ ચાર શબ્દો એક્સ પર પોસ્ટ કર્યા અને આ સાથે જ ભારતીય નાણાકીય બજારમાં ખળભળાટ મચી ગયો હતો. ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે હિંડનબર્ગનો આગામી શિકાર કોણ હશે. કારણ કે દોઢ વર્ષ પહેલા જાન્યુઆરી 2023માં હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો અહેવાલ જાહેર કરીને સ્થાનિક શેરબજારમાં હલચલ મચાવી હતી. અને આ પછી ઘણા મહિનાઓ સુધી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા હતા.
દોઢ વર્ષ પહેલા હિંડનબર્ગે અદાણી ગ્રુપ સામે જે રિપોર્ટ બહાર પાડ્યો હતો તેનું પરિણામ સૌ કોઈ જાણે છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેર 83 ટકા ઘટ્યા હતા અને ગ્રુપ માર્કેટ કેપ 80 બિલિયન ડોલરથી વધુ ઘટી હતી. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ તપાસ બાદ અદાણી ગ્રુપને આરોપમુક્ત ગણાવ્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં પણ હિંડનબર્ગના રિપોર્ટને સંપૂર્ણપણે સાચો માનવામાં આવ્યો ન હતો.
હિંડનબર્ગે સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સેબીના વડા માધબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચના નિવેદનને જોડીને કહ્યું હતું કે "સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચએ 10 ઓગસ્ટ, 2024ના રોજ હિંડનબર્ગ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. આ મુજબ, હિંડનબર્ગના રિપોર્ટમાં જે ફંડ અંગે કહેવામાં આવ્યું છે તેમાં વર્ષ 2015માં રોકાણ કર્યું હતું ત્યારે તેઓ સિંગાપોરમાં રહેનારા નાગરિક હતા. આ માધબીના સેબીમાં સામેલ થવા એટલે કે સુધી કે તેઓ સેબીમાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે જોડાયા તેના લગભગ 2 વર્ષ અગાઉનું રોકાણ હતું.
આ ફંડમાં રોકાણ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજા, ધવલના સ્કૂલ અને IIT દિલ્હીના બાળપણના મિત્ર છે. સાથે જ સિટીબેંક, જેપી મોર્ગન અને 3i ગ્રુપ પીએલસીના ભૂતપૂર્વ કર્મચારી હોવાને કારણે તેમની પાસે ઘણા દાયકાઓ સુધીની મજબૂત ઇન્વેસ્ટ કરિયર છે જેની અનિલ આહુજાએ પુષ્ટી કરી છે. કોઇ પણ સમયે ફંડે કોઇ પણ અદાણી ગ્રુપની કંપનીના બોન્ડ, ઈક્વિટી અથવા ડેરિવેટિવમાં રોકાણ કર્યું નથી..."
બ્રેકગ્રાઉન્ડ
Hindenburg Research Live Updates: હિંડનબર્ગ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કથિત અદાણી કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે દંપત્તિ અને અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી હતી. જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.
હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે સેબીએ જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ પર કરેલા ખુલાસા પર હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી. તેમનો આરોપ છે કે આ તપાસ માત્ર એટલા માટે કરવામાં આવી નથી કારણ કે સેબીના વડા અને અદાણી જૂથના હિત એકબીજા સાથે જોડાયેલા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -