RBI Repo Rate: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટ 25 bps ઘટાડીને 5.25% કરવાનો નિર્ણય લીધો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે, રેપો રેટ હવે 5.5% થી ઘટીને 5.25% થઈ ગયો છે.
રેપો રેટમાં ઘટાડાથી લોન સસ્તી થશે, જેનાથી EMI ખર્ચ ઘટશે અને બચતને પ્રોત્સાહન મળશે. અગાઉ, MPC ની બેઠક 1 ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યાં રિઝર્વ બેંકે રેપો રેટને 5.5% પર યથાવત રાખ્યો હતો.
અર્થતંત્રની ગોલ્ડીલોક ઝોનમાં એન્ટ્રી
છેલ્લા બે મહિનાની નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, "ઓક્ટોબર 2025 ની પોલિસી બાદ ઇકોનોમીમાં મોંઘવારીને ઓછી થતાં જોઇ શકાય છે.. વર્તમાન વૃદ્ધિ-ઇન્ફેલેશન ડાયનામિકસ એક દુર્લભ ગોલ્ડીલોક પિરિયડ દર્શાવે છે, જેમાં વૃદ્ધિ મજબૂત બની રહે છે."
કોને કહે છે ગોલ્ડી લોક્સ
અર્થશાસ્ત્રીઓની ભાષામાં ગોલ્ડીલોક્સ એવા સમયગાળાને કહેવામાં આવે છે, જ્યારે મોંઘવારી (Inflation) નિયંત્રણમાં રહે અને સતત આર્થિક વિકાસ (Economic growth) થવાનો ક્રમ પણ જળવાઈ રહે.
આ શબ્દ બાળકોની વાર્તા 'ગોલ્ડીલોક્સ એન્ડ ધ થ્રી બેયર્સ' (Goldilocks and the Three Bears) માંથી લેવામાં આવ્યો છે. આ વાર્તામાં, ગોલ્ડીલોક્સ ત્રણ વાટકામાં પીરસવામાં આવેલ દલિયા (porridge) ને અજમાવે છે, જેમાંથી એક બહુ ગરમ, એક બિલકુલ ઠંડું અને એક ન બહુ ઠંડું કે ન વધારે ગરમ હોય છે. ગોલ્ડીલોક્સ ત્રીજા વાટકાવાળી દલિયા ખાઈ જાય છે.
ભારતની અર્થવ્યવસ્થાની હાલત પણ અત્યારે કંઈક આવી જ છે.
એક સ્થિર આર્થિક વિકાસનો ક્રમ જળવાયેલો છે, જેણે મંદી (Recession) ને અટકાવી રાખી છે. પરંતુ, તેટલો પણ તેજ નથી કે મોંઘવારી વધી જાય. એટલે કે, વિકાસની ગતિ સંતુલિત (Balanced) અને સ્થિર છે.
આ વર્ષે રેપો રેટમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે?
આરબીઆઈએ આ વર્ષે ફેબ્રુઆરી અને જૂન વચ્ચે રેપો રેટમાં કુલ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આનો અર્થ એ થયો કે તેને 6.5% થી ઘટાડીને 5.5% કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓગસ્ટ અને ઓક્ટોબરની નીતિ બેઠકોમાં નીતિ દર યથાવત રાખવામાં આવ્યા હતા.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ દર છે, જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને ધિરાણ આપે છે. જો રેપો રેટ વધે છે, તો રિઝર્વ બેંક તરફથી લોન બેંકો માટે વધુ મોંઘી બને છે. જો બેંકો રિઝર્વ બેંક પાસેથી વધુ કિંમતની લોન મેળવે છે, તો વ્યક્તિઓ માટે ઉપલબ્ધ લોન પણ વધુ મોંઘી થશે. આનાથી ગ્રાહકો પર બોજ વધશે. આનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વધુ મોંઘી બને છે. ફુગાવાને નિયંત્રિત કરવા અને બેંક લિક્વિડિટી વધારવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે.