GST 2.0: દિવાળી પર ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને તમારી મનપસંદ વસ્તુ ઓછી કિંમતે ડિસ્કાઉન્ટ સાથે મળે તો ખૂબ જ સારુ રહે છે.  આ તહેવારોની મોસમમાં નાની કાર અને ટુ-વ્હીલર સસ્તી થવાની અપેક્ષા છે. કેન્દ્ર સરકાર કાર અને બાઇક પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની યોજના બનાવી રહી છે.

જો આવું થાય તો કાર અને બાઇકના ભાવ 10 ટકા સુધી ઘટી શકે છે. આ કારણે, ઘણા લોકો હવે તેમની ખરીદી મુલતવી રાખીને દિવાળીની રાહ જોઈ રહ્યા છે. આ કારણે ઓટો સેક્ટરમાં વેચાણ ધીમું પડી ગયું છે કારણ કે દરેક વ્યક્તિ નવા ટેક્સ સ્લેબ પર GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે.

ઓટો સેક્ટરમાં મંદી

કારણ કે લોકો હજુ પણ GST દરમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. લોકો કાર કે બાઇક ખરીદવાની તેમની અગાઉની યોજનાઓ મુલતવી રાખી રહ્યા છે. તેની અસર ઓટો સેક્ટર પર દેખાવા લાગી છે. દરમિયાન ટ્રેક્ટરના વેચાણમાં 32 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટુ-વ્હીલર અને ટ્રકના વેચાણમાં 6-7 ટકાનો ઘટાડો થયો છે. પેસેન્જર કારના વેચાણમાં પણ 1 ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝ માને છે કે જો GST ઘટાડવામાં આવે તો ટુ-વ્હીલર અને નાની કારનું વેચાણ તાત્કાલિક વધશે.

શું અપેક્ષાઓ છે ?

GST કાઉન્સિલની બેઠક 3-4 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. આ દિવસે કઈ વસ્તુને કયા ટેક્સ સ્લેબ હેઠળ લાવવામાં આવશે, કઈ વસ્તુઓ પર GST ઘટાડવામાં આવશે વગેરે નક્કી કરવામાં આવશે. જોકે હાલમાં એવી અપેક્ષા છે કે નાની કાર અને બાઇક માટે 28 ટકાનો સ્લેબ દૂર કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનો અને ટ્રેક્ટરને 5 ટકા GSTના દાયરામાં લાવવામાં આવશે. લક્ઝરી કાર પર GST 40 ટકા પર રહેશે, તેથી પ્રીમિયમ ખરીદદારો માટે રાહતની કોઈ આશા નથી.

કેટલી બચત થશે ?

જો તમે 10 લાખ રૂપિયાની કાર ખરીદી હોય અને તેના પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવે છે તો તમે 1 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. બીજી બાજુ  જો બાઇકની કિંમત 1 લાખ રૂપિયા છે તો તમે 10,000 રૂપિયા સુધી બચાવી શકો છો. આવી સ્થિતિમાં, GSTમાં ઘટાડો થવાથી માંગ ચોક્કસપણે વધશે, જેને પહોંચી વળવા માટે ઉત્પાદન વધશે અને ઉદ્યોગમાં વધુને વધુ લોકો માટે રોજગારની તકો પણ ઊભી થશે.