Sukanya Samriddhi Account Online: સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી નાની બચત યોજના છે, જેનો ઉદ્દેશ્ય છોકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે જેથી ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે તેમને આર્થિક રીતે મદદ મળી શકે.

અત્યાર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવા માટે તમારે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું અને ત્યાં આપેલ અરજી ફોર્મ ભરીને સબમિટ કરવું પડતું હતું, પરંતુ હવે તમે ઘરે બેઠા થોડીવારમાં સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખાતું ખોલી શકશો.

બેન્ક અથવા પોસ્ટ ઓફિસ જવાની ઝંઝટનો અંત આવ્યો છે

પંજાબ નેશનલ બેન્ક (PNB) એ તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. આ હેઠળ પંજાબ નેશનલ બેન્કની મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન PNB ONE મારફતે તમે ઘરે બેઠા મિનિટોમાં ઓનલાઈન SSY ઓપન કરાવી શકશો. આ માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર રહેશે નહીં. આનાથી લોકો માટે આ બચત યોજના અપનાવવાનું સરળ બનશે, પરંતુ તેની પહોંચ વધુને વધુ લોકો સુધી પણ વધશે અને મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન મળશે. તેની મદદથી વધુને વધુ લોકો આ સરકારી યોજનાનો લાભ લઈ શકશે.

PNB ONE એપથી એકાઉન્ટ કેવી રીતે ઓપન કરશો?

સૌ પ્રથમ તમારા મોબાઇલ ડિવાઇસ પર PNB ONE એપ્લિકેશન ઓપન કરો.

મેન મેનુમાં સર્વિસિસ ઓપ્શન પર જઇને ક્લિક કરો.

પછી 'Govt Initiative' વિકલ્પ પર ક્લિક કરો.

હવે 'Sukanya Samriddhi Account Opening' વિકલ્પ પસંદ કરો.

આ પછી ખાતું ખોલવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આપેલી સૂચનાઓનું પાલન કરો.

જોકે હવે તમે SSY ખાતું ડિજિટલી ઓપન કરાવી શકો છો પરંતુ આંશિક ઉપાડ, ખાતું બંધ કરવા અથવા તેને સમય પહેલા બંધ કરવા માટે તમારે બેન્કમાં જવું પડશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. માતાપિતા અથવા કાયદાકીય વાલીઓ 10 વર્ષથી ઓછી ઉંમરની તેમની પુત્રીના નામે આ યોજના હેઠળ ખાતું ઓપન કરાવી શકે છે. તે જમા રકમ પર 8.2 ટકા સુધી વ્યાજ આપે છે. અને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ પણ ઉપલબ્ધ છે. આમાં પરિપક્વતા 21 વર્ષની ઉંમરે થાય છે, પરંતુ 18 વર્ષની ઉંમર પછી આંશિક ઉપાડ કરી શકાય છે.