Hurun India Philanthropy List 2023: દેશની અગ્રણી IT કંપની HCL Technologies ના સ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર સૌથી મોટા દાનવીર બન્યા છે. નાણાકીય વર્ષ 2023-23 દરમિયાન શિવ નાદરે 2042 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 76 ટકા વધુ છે.                                


બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, એડલગીવ Hurun India Philanthropy List 2023 અનુસાર, શિવ નાદર 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી દાનવીર બની ગયા છે. તેમણે 2022-23 નાણાકીય વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 5.6 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શિવ નાદર પછી વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-23માં કુલ 1774 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે નાણાકીય વર્ષ 2021-22 કરતા 267 ટકા વધુ છે.                       


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાનના મામલે ત્રીજા સ્થાને છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્ધારા 376 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઝેરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાતા બન્યા છે. તે 12મા સ્થાને છે અને તેમણે 112 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રોહિણી નીલેકણી મહિલા દાતાઓમાં પ્રથમ ક્રમે છે અને તેમણે 170 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. EdelGive Hurun India Philanthropy List 2023 અનુસાર તેઓ 10મા ક્રમે છે.                                      


રોહિણી નિલેકણી સિવાય અન્ય સેવાભાવી મહિલાઓના નામ પર નજર કરીએ તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને બંને 40માં અને 41માં સ્થાને છે. કુલ દાનવીરોમાંથી 7 મહિલા દાનવીર છે.              


નાણાકીય વર્ષ 2022-23માં 119 ઉદ્યોગપતિઓએ રૂપિયા 5 કરોડ કે તેથી વધુનું દાન આપ્યું છે. અને જો આ બધાનું દાન ઉમેરીએ તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. આ રકમ 2021-22ની સરખામણીમાં 59 ટકા વધુ છે. 2022-23માં 14 ભારતીયોએ 100 કરોડથી વધુનું દાન કર્યું છે, જે અગાઉના વર્ષમાં માત્ર 6 હતું. જ્યારે 12 લોકોએ 50 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 47એ 20 કરોડનું દાન આપ્યું છે.