Chanda Kochhar Fraud : ભારતીય બેંકિંગ સેક્ટરને હચમચાવી દેનાર છેતરપિંડીના જેટલા વધુ સ્તરો બહાર આવી રહ્યા છે, તેટલું જ રહસ્ય વધી રહ્યું છે. ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર (ICICI બેંકના CEO ચંદા કોચર)એ પોતાના પદનો ઉપયોગ કરીને આવા પરાક્રમો કર્યા હતાં કે જેને સાંભળીને કોર્ટ પણ ચોંકી ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કોર્ટને જણાવ્યું છે કે, કોચરે વિડિયોકોન જૂથને મોટી લોન આપવા માટે પોતાના પદનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં તેમણે તેમના પતિને સવા 5 કરોડ રૂપિયાનો ફ્લેટ પણ માત્ર રૂ.11 લાખમાં અપાવ્યો હતો.
સીબીઆઈના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એ લિમોસિને કોર્ટને કહ્યું હતું કે, 2016માં કોચરના ટ્રસ્ટને વીડિયોકોન ગ્રુપ દ્વારા સીસીઆઈ ચેમ્બર, ચર્ચગેટમાં માત્ર 11 લાખ રૂપિયામાં ફ્લેટ આપવામાં આવ્યો હતો. જો કે તે સમયે આ ફ્લેટની કિંમત 5.3 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત ચંદાએ બેંકના ફંડનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પોતાના માટે 64 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આટલું જ નહીં ચંદા કોચરના પુત્રએ આ જ બિલ્ડિંગના આ જ ફ્લોર પર 19.11 કરોડ રૂપિયામાં ફ્લેટ પણ ખરીદ્યો હતો.
11 હજાર પાનાની ચાર્જશીટ
CBIએ કોર્ટમાં 11 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂત અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં સીબીઆઈએ જણાવ્યું છે કે, ચંદા કોચરે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને પાત્ર ન હોવા છતાં વિડિયોકોન ગ્રુપને મોટી લોન આપી હતી. કોચરે બેંકના ભંડોળનો ખોટો ઉપયોગ કરીને પોતાને 64 કરોડ રૂપિયાનું બોનસ મેળવ્યું હતું.
300 કરોડની લોન વહેંચી મારી
સીબીઆઈના વકીલે જણાવ્યું હતું કે, વિડિયોકોનને 26 ઓગસ્ટ 2009ના રોજ ICICI બેંક તરફથી 300 કરોડની ટર્મ લોન આપવામાં આવી હતી. ચંદા કોચર લોન માટે રચાયેલી બેંકની સમિતિના વડા હતા. ઉતાવળનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, લોનની રકમ 7 સપ્ટેમ્બર, 2009ના રોજ કંપનીના ખાતામાં જમા થઈ ગઈ હતી. વિડિયોકોને અનેક શેલ કંપનીઓ બનાવી અને આ જાળ ફેલાવીને જ દીપક કોચરની કંપનીને 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.
1875 કરોડની વહેંચણીનો આરોપ
સીબીઆઈએ જાન્યુઆરી 2019માં નોંધાયેલા એક કેસમાં આરોપ લગાવ્યો હતો કે, ચંદા કોચરે બેંકના એમડી અને સીઈઓ રહીને છ કંપનીઓને 1,875 કરોડ રૂપિયાની લોન આપી હતી. બાદમાં તેને રૂ. 1,730 કરોડમાં રીસ્ટ્રક્ચર કરવામાં આવી હતી. તેમાંથી રૂ. 1,033 કરોડની લોન હજુ બાકી છે. જેમાં વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સને 300 કરોડ રૂપિયાની બે લોન અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝને 750 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ બંને લોન પાસ કરનાર સમિતિના વડા ચંદા કોચર જ હતા.