ICICI Bank Warns Customer of SMS Fraud: વધતા ડિજિટાઇઝેશન (Digitalisation)  સાથે ઑનલાઇન છેતરપિંડીના (Online Fraud)  કેસોમાં પણ વધારો થયો છે. આજકાલ બેન્કિંગ ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણા સાયબર ફ્રોડ કરનારા એસએમએસ મારફતે લોકોને છેતરતા હોય છે. આ કારણોસર દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક ICICI બેન્કે (ICICI Bank) એલર્ટ જાહેર કર્યું છે.


આ મારફતે બેન્કે તેના ગ્રાહકોને SMS ફ્રોડ સામે ચેતવણી આપી છે. છેતરપિંડી કરનારાઓ એસએમએસ દ્વારા નકલી મેસેજ મોકલીને યુઝર્સને તેમની જાળમાં ફસાવી રહ્યા છે. આ માટે તેઓ નકલી લિંક્સ મોકલીને તમારા ફોનનો તમામ મહત્વપૂર્ણ ડેટા ચોરી કરે છે. હેકર્સને આ તમામ ડેટાની ઍક્સેસ મળે છે અને તેઓ તેનો દુરુપયોગ કરે છે. આવી છેતરપિંડીથી પોતાને બચાવવા માટે ICICI બેન્કે ચેતવણી જાહેર કરી છે.


બેન્કે ગ્રાહકોને આ સલાહ આપી હતી


ICICI બેન્કે તેના ગ્રાહકોને સલાહ આપી છે કે આજકાલ SMS દ્વારા થતી છેતરપિંડીની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં જો તમને બેન્કના નામ પર કોઈ મેસેજ મળે છે તો સૌથી પહેલા તે મેસેજની સત્યતા તપાસો. આ માટે તમે ઓફિશિયલ વેબસાઈટ જેવી ઓફિશિયલ ચેનલ્સનો ઉપયોગ કરી શકો છો. મેસેજમાં આપેલા નંબર પર ફોન કરવાનું ટાળો.


બેન્કે આ ચેતવણી આપી છે


ICICI બેન્કે યુઝર્સને એલર્ટ કર્યું છે કે જો કોઈ તમારી પાસે OTP માંગે તો તેને આ માહિતી બિલકુલ ન આપો. કોઈ કંપની કે બેન્ક તમારી પાસે OTP માંગતી નથી. આ સાથે નેશનલ સાયબર ક્રાઈમ વેબસાઇટ cybercrime.gov.in પર અથવા 1930 પર કૉલ કરીને તરત જ આવા કૉલની જાણ કરો. ધ્યાનમાં રાખો કે બેન્ક કોઈપણ ગ્રાહક પાસે OTP, PIN અથવા પાસવર્ડ જેવી માહિતી શેર કરતી નથી.


આ વાતોનું પણ ધ્યાન રાખો


ICICI બેન્કે કેટલીક યુક્તિઓ આપી છે જેના દ્વારા તમે કોઈપણ છેતરપિંડી કરનારાઓને ઓળખી શકો છો.



  1. બેન્કે કહ્યું છે કે છેતરપિંડી કરનારાઓ હંમેશા અજાણ્યા નંબરોથી કોલ કરીને અથવા મેસેજ મોકલીને બેન્કમાંથી ફોન કરતા હોવાનો ડોળ કરવાનો પ્રયાસ કરે છે. આ કારણે યુઝર્સ માને છે કે આ નંબરો બેન્કના છે.

  2. SMS દ્વારા યુઝર્સને તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવે છે. નહી તો તેમને નાણાકીય નુકસાનની ધમકી આપવામાં આવે છે. આમાં એવું કહેવામાં આવે છે કે યુઝરના ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અથવા ખાતું સસ્પેન્ડ કરવામાં આવશે.

  3. બેન્ક વિગતો ચોરવા માટે હેકર્સ તમને કોઈ લિંક પર ક્લિક કરવા કોઈ એપ ડાઉનલોડ કરવા અથવા કોઈ નંબર પર કૉલ કરવાનું કહી શકે છે.

  4. નકલી મેસેજને ઓળખવા માટે તેમને સારી રીતે વાંચો. ફેક મેસેજમાં ઘણીવાર સ્પેલિંગની ભૂલો હોય છે. તમે ખોટા મેસેજની આ રીતે ઓળખ કરી શકો છો.


આ પણ વાંચોઃ


SmilePay: જાણો શું છે સ્માઇલપે, હવે પેમેન્ટ માટે કોઇ કાર્ડ-મોબાઇલ કે રોકડની પણ નહીં પડે જરૂર