પ્રસિદ્ધ ભારતીય બેન્કર (Eminent Indian banker ) અને ICICI બેન્કના ભૂતપૂર્વ ચેરમેન નારાયણન વાઘુલનું (Narayanan Vaghul) શનિવારે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી હતી. બેન્કર નારાયણનનું ચેન્નઇમાં નિધન થયું હતું. તેમના પરિવારે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે "તમને એ જણાવતા ખૂબ દુઃખ થઇ રહ્યું કે પદ્મ ભૂષણ નારાયણન વાઘુલનું આજે બપોરે એપોલો હોસ્પિટલ ચેન્નઈમાં નિધન થયું છે.


મિન્ટના રિપોર્ટ અનુસાર, વાઘુલ 88 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્રી અને પુત્ર છે, બેન્કને 2009માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે રાજીવ ગાંધીના વહીવટતંત્ર દરમિયાન ICICI બેન્કના નિર્માણમાં પણ મદદ કરી હતી. તેમણે પોતાના કરિયરની શરૂઆત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે કરી હતી અને 44 વર્ષની ઉંમરે બેન્ક ઓફ ઈન્ડિયામાં જવાબદારી સંભાળી હતી. 39 વર્ષની ઉંમરે વાઘુલે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી હતી.


વાઘુલે 1990ના દાયકાના મધ્યમાં એક અન્ય દિગ્ગજ કે.વી.કામથને એશિયન ડેવલપમેન્ટ બેન્કમાંથી ભારત પરત ફરવા માટે મનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ICICI સિક્યોરિટીઝને એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ તરીકે સ્થાપિત કરવામાં પણ બેન્કર મહત્ત્વપૂર્ણ હતા. તેમણે વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ અને મિત્તલ સ્ટીલ જેવા અનેક અગ્રણી ભારતીય ગ્રુપ્સમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. તેમણે ICICI નોલેજ પાર્કમાં અધ્યક્ષની ભૂમિકા પણ નિભાવી હતી.                                               


વડાપ્રધાન રાજીવ ગાંધીએ વાઘુલના ટેલેન્ટથી પ્રભાવિત થઈને તેમને આઈસીઆઈસીઆઈમાં સામેલ કર્યા હતા. અગાઉ 2023માં વાઘુલે ‘રિફ્લેક્શન્સ’ના ટાઇટલ સાથે પોતાના સંસ્મરણો જાહેર કર્યા હતા જેમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય નાણાકીય ક્ષેત્રમાં પોતાના અનુભવોની જાણકારી આપવામાં આવી હતી.