દેશમાં કોરોનાનો વિસ્ફોટ થતાં ઓસ્ટ્રેલિયા સહિત યુરોપિયન દેશોએ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, અમેરિકાએ હજુ આવો કોઈ નિયમ લાગું કર્યો નથી. કોરોનાકાળમાં ભારતથી અમેરિકા જવા માટે ટિકિટોના કાળા બજાર થવા લાગ્યા છે. એક જાણીતા ગુજરાતી અખબારના અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે, એર ઇન્ડિયાના કેટલાક એજન્ટો એર ઇન્ડિયાના ચાર્ટર્ડ ફ્લાઇટ ઓપરેટ કરી પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડા વસૂલી રહ્યા છે. 


4થી મેના રોજ મુંબઈથી નેવાર્ક માટે ઓપરેટ થનારી એર ઇન્ડિયાની ફ્લાઇટનું વન-વે ભાડું 1.75 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યું હોવાનો અહેવાલમાં દાવો કરાયો છે. જ્યારે બિઝનેસ ક્લાસનું 2.65 લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલાયાનો દાવો કરાયો છે. કોરોના મહામારીમાં બેફામ વસૂલાતા ભાડા પર કોઈ નિયંત્રણ ન હોવાથી ચાર્ટર્ડ ઓપરેટ કરનારા એજન્ટોને મોકળું મેદાન મળી ગયું છે. 


'વંદે ભારત' મિશન હેઠળ એર ઇન્ડિયા વિવિધ દેશોમાં સ્પેશિયલ ફલાઇટ ઓપરેટ કરી રહી છે. ત્યારે અહેવાલ પ્રમાણે, એર ઇન્ડિયાના એજન્ટો મુસાફરો પાસેથી ડબલથી ત્રણ ગણા ભાડા વસુલાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. દિલ્હીના કેટલાક એજન્ટો દ્વારા ટિકિટોના કાળા બજાર કરાતા હોવાનું અને આખી તપાસમાં પણ ભીનુ સંકેલી દેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરાયો છે. 


આટલું ઓછું હોય તેમ હવે એર ઇન્ડિયાએ પોતાના એરક્રાફ્ટ કેટલાક માનીતા એજન્ટોને ચાર્ટર્ડ માટે ઓપરેટ કરવા આપ્યા છે. અહેવાલ પ્રમાણે, ૪ મેના રોજ મુંબઈથી નેવાર્ક માટે એર ઇન્ડિયાનું ચાર્ટર્ડ ઓપરેટ થવાનું હતું.  સામાન્ય રીતે ૫૫ થી ૬૦ હજાર સુધીના વન-વે ના ચાલતા ભાડા સીધા જ   ૧.૭૫ લાખ રૃપિયા સુધી એટલે કે ચાર ગણું ભાડું વધુ વસૂલાયા હતા. મજબૂરીમાં ઇમરજન્સીમાં જનારા મુસાફરો કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીમાં આટલું ઊંચું ભાડું ચૂકવીને અમેરિકા પહોંચી રહ્યા છે.


અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે, એર ઇન્ડિયા દ્વારા જ્યારે સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી સિસ્ટમ પર બુકિંગ ઓપન કરતી હતી ત્યારે હંમેશા લોઅર ફેરની ટિકિટો દિલ્હીમાં જ બ્લોક કરી દેવાતી હતી અને જ્યારે ગુજરાતમાંથી કોઈ મુસાફર ફ્લાઇટ બુક કરે તો મિનિમમ ૮૫ હજારથી ટિકિટ ઓપન થતી હતી.


અહેવાલમાં કરાયેલા દાવામાં એર ઈન્ડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એર  એર ઇન્ડિયા પાસે તમામ સુવિધા હોવા છતાં એજન્ટોને ચાર્ટર્ડ  ફ્લાઇટ ઓપરેટ કરવા કેમ પરમિશન આપી રહી છે. એજન્ટ દ્વારા એર ઇન્ડિયાનું ચાર્ટર્ડ ફ્લાઈટ જે ઓપરેટ થવાનુ છે જે ૭૭૭ સીરીઝનું એરક્રાફ્ટ છે જેમાં લગભગ ૩૦૦થી વધુ સીટ ની ક્ષમતા છે જે તે મુંબઈ થી નેવાર્કનો લાંબો રૂટ  છે. એજન્ટો એર ઇન્ડિયા સાથે દિલ્હીમાં ડીલ કરી ને આખા ક્રાફ્ટ ભાડે લઇ ચાર્ટર્ડ ફ્લાઈટમાં ઓપરેટ કરે છે. 


સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, એર ઇન્ડિયા બિઝનેસ સહિત ઈકોનોમિ ક્લાસ સહિત તમામ સીટોની ખર્ચ સાથે એવરેજ પ્રોફિટ કાઢી સીધા એર ક્રાફ્ટ એજન્ટોને ચાર્ટડ ઓપરેટ કરવા આપતા હોય છે . ધારો કે એક રૂટ પર ચાર્ટર્ડ ના જે તે એરલાઇન કંપનીને એજન્ટ બે કરોડ ચૂકવતા હોય તો તે એજન્ટ મુસાફરો પાસેથી બમણો નફો રળી લે છે. એજન્ટ ઉપર કોઈપણ પ્રકારનું ભાડામાં નિયંત્રણ હોતું નથી એટલે કે તે મનફાવે તેટલામાં  ટિકિટ વેચી શકે છે. 


તેમણે જણાવ્યું હતું કે, એજન્ટની એટલી  દાદાગીરી હોય છે કે એક વખત ફ્લાઇટ ટીકીટ બુક થયા બાદ કેન્સલ પણ ના થાય અને તારીખ પણ બદલાય નહીં અને જો કોઈ ઇમર્જન્સીમાં ટિકિટ રદ કરવી પડે તો  એક પણ પાઈ પણ રિફંડ  મળે નહીં. જો એર ઇન્ડિયા ઓપરેટ કરે તો રિફંડ સહિત તારીખ બદલવાનો પણ વિકલ્પ આપવો પડતો હોય છે. આમ આ બધી ઝંઝટમાંથી મુક્ત થવા એર ઇન્ડિયા કેટલાક એજન્ટો અને ચાર્ટર્ડ ફ્લાઈટ ઓપરેટ પરવાનો આપી દીધો છે જેનો ભોગ હજારો મુસાફરો બની રહ્યા છે.