India Post New Rules: જો તમે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તમારી બહેન કે ભાઈને રાખડી મોકલવા અથવા ડાક દ્વારા કેટલાક જરૂરી દસ્તાવેજો મોકલવા અંગે વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2026 થી શ્રેણીબદ્ધ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને મળશે.આ નવા નિયમોના અમલીકરણ બાદ હવે કેટલીક વસ્તુઓને અગાઉની સરખામણીમાં ઓછા ખર્ચે અને ઝડપથી મોકલી શકાશે. નવા નિયમો હેઠળ પોસ્ટ વિભાગે સ્પષ્ટતા કરી છે કે કઈ વસ્તુઓને ‘ડોક્યુમેન્ટ’ (દસ્તાવેજ) ગણવામાં આવશે અને કઈ વસ્તુઓને ‘પાર્સલ’ ની કેટેગરીમાં રાખવામાં આવશે. તંત્રના જણાવ્યા મુજબ આ સ્પષ્ટતાથી ગ્રાહકોની મૂંઝવણ દૂર થશે અને તેમને સાચી શ્રેણી પસંદ કરવામાં ઘણી સરળતા રહેશે.

Continues below advertisement

 

Continues below advertisement

પોસ્ટ વિભાગના નવા નિર્દેશો અનુસાર, જે વસ્તુઓનું કોઈ વ્યાપારી મૂલ્ય નથી અથવા જેની પુનઃ વેચાણ શક્ય નથી, તે તમામ વસ્તુઓને ડોક્યુમેન્ટની શ્રેણીમાં રાખવામાં આવશે. આ શ્રેણીમાં 500 ગ્રામ સુધીના બિન-વ્યાવસાયિક રાખડીના કવર કે નાના પેકેટ, ગ્રીટિંગ કાર્ડ્સ અને અંગત પત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) અને ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા મહત્વના સરકારી ઓળખપત્રોને પણ દસ્તાવેજ ગણવામાં આવશે. સાથે જ બેંક પાસબુક, ચેકબુક, બેંક સ્ટેટમેન્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ બેંકની વેલકમ કિટને પણ ડોક્યુમેન્ટની કેટેગરીમાં જ સમાવવામાં આવી છે. આ તમામ નક્કી કરેલી વસ્તુઓ સિવાય મોકલવામાં આવતી અન્ય તમામ સામગ્રી અને ભેટ-સોગાદોને પાર્સલ કેટેગરી હેઠળ રાખવામાં આવશે.

આ પણ વાંચો...RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

ઝડપી સેવા આપવાના હેતુથી ટપાલ વિભાગે 24 કલાક અને 48 કલાકની વિશેષ પ્રીમિયમ સ્પીડ પોસ્ટ ડિલિવરી સુવિધા પણ શરૂ કરી છે. હાલના તબક્કે આ એક્સપ્રેસ સેવાઓ દેશના 6 મુખ્ય મહાનગરો દિલ્હી, કોલકાતા, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ પૂરતી સીમિત રાખવામાં આવી છે. આ નવી સેવા માટે નક્કી કરાયેલા દરો મુજબ 24 કલાકની સ્પીડ પોસ્ટ સેવા માટે 50 ગ્રામ સુધીના દસ્તાવેજ પર લોકલ એરિયામાં 38 રૂપિયા અને દેશમાં અન્ય કોઈપણ સ્થળે મોકલવા માટે 94 રૂપિયા ચાર્જ લાગશે.જ્યારે 48 કલાકની સ્પીડ પોસ્ટ સેવા માટે 50 ગ્રામ સુધીના પેકેટ પર સમગ્ર દેશ માટે એકસમાન 61 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.વજન અને અંતર વધવાની સાથે નિયમ મુજબ ચાર્જમાં પણ વધારો થશે.

પોસ્ટ વિભાગના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને અનેકવિધ ફાયદા થશે. રક્ષાબંધનના તહેવાર પર રાખડી મોકલવાનો ખર્ચ ઘટી જશે તેમજ ગ્રીટિંગ કાર્ડ અને પત્રો મોકલવા પણ પહેલા કરતાં વધુ સસ્તા બનશે. જરૂરી દસ્તાવેજો અને પાર્સલના સુરક્ષિત પહોંચવા અંગેનો ડર દૂર થશે અને મોટા શહેરોમાં નક્કી કરેલી સમયમર્યાદામાં ઝડપી ડિલિવરીનો લાભ મળશે, જેનાથી તહેવારોની મોસમમાં સામાન્ય લોકોના ખિસ્સા પરનો આર્થિક બોજ હળવો થશે.