BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે. BSE વેબસાઇટ પરના ડેટા અનુસાર 21 મેના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપે નવી ઊંચાઈ હાંસલ કરી છે. જે ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીનો ઉલ્લેખ કરે છે.


બીએસઈ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલર અથવા 414.46 ટ્રિલિયનથી વધુ પહોંચી ગયુ છે જે વર્ષની શરૂઆત બાદથી 633 બિલિયન ડોલરથી વધી ગયું છે. જો કે ફ્લેગશિપ સેન્સેક્સ ઇન્ડેક્સ હજી પણ તેની સર્વકાલીન ઉચ્ચસ્તરથી 1.66 ટકા નીચે છે. BSE મિડ અને સ્મોલકેપ સૂચકાંક નવી ઉંચાઇએ પહોંચી ગયો છે.


માર્કેટ કેપ જર્ની


નવેમ્બર 2023માં BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું અને હવે ફક્ત છ મહિનામાં પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ થઇ ગયું છે. BSE-લિસ્ટેડ કંપનીઓ મે 2007માં 1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ પર પહોંચી ગઈ હતી, જે એક દાયકામાં ડબલ થઇને જુલાઈ 2017માં 2 ટ્રિલિયન ડોલર થઈ હતી અને પછી મે 2021માં 3 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર પહોંચી ગયો હતો. 


હાલમાં દુનિયાભરમાં ફક્ત ચાર દેશોના સ્ટોક માર્કેટનું માર્કેટ કેપ પાંચ લાખ કરોડ ડોલરથી વધુ છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ સામેલ છે. અમેરિકા 55.65 લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે સૌથી આગળ છે. બાદમાં અનુક્રમે ચીન (9.4 લાખ કરોડ ડોલર), જાપાન (6.42 લાખ કરોડ ડોલર) અને હોંગકોંગ (5.47 લાખ કરોડ ડોલર)સામેલ છે.


બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર, વર્ષ 2024માં અત્યાર સુધીમાં ભારતના  માર્કેટ કેપિટલમાં લગભગ 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ દરમિયાન અમેરિકન બજારમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. તે સિવાય હોંગકોંગના બજારમાં 16 ટકાની તેજી જોવા મળી હતી. ચીન અને જાપાનના માર્કેટ કેપમાં લગભગ સ્થિર રહ્યું છે.


ભારતીય શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. પરંતુ મેટલ્સ એનર્જી સેક્ટરના શેરમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડકેપ શેરોમાં ભારે ખરીદીને કારણે MIFTIનો મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 52,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 52 પોઈન્ટના ઘટાડા સાથે 73,953 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.