RIL Family Day 2022: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતને લઈને મહત્વની ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ વટવૃક્ષની જેમ આગળ વધતું રહેશે અને સમયની સાથે તેની શાખાઓ વધારે વિસ્તરતી રહેશે અને તેના મૂળ ઉંડા ઉતરતા જશે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ તેમના પિતા અને કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના હંમેશા આભારી રહેશે, જેમણે આ વટવૃક્ષનું બીજ રોપ્યું હતું. 


મુકેશ અંબાણીએ કહ્યું હતુંકે, આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દરમિયાન ભારત આર્થિક વિકાસની ઝડપી ગતિ હાંસલ કરશે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, ભારત 2047 સુધીમાં 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું ગૌરવ ચોક્કસપણે હાંસલ કરશે.


મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, દુનિયા 21મી સદીને ભારતની સદી તરીકે જોઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતનો અમૃતકળ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારત સમૃદ્ધિ, વિપુલ તકો અને 1.4 અબજ લોકોના જીવનની સરળતા અને ગુણવત્તામાં અકલ્પનીય સુધારાના યુગમાં પ્રવેશ કરશે. ભારતને વૈશ્વિક સ્તરે એક તેજસ્વી સ્થાન તરીકે ગણવામાં આવે છે. અંબાણીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ પછી રિલાયન્સ બાદ 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આગળની યાત્રા માત્ર વધુ રોમાંચક, લાભદાયી અને પડકારજનક બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.


મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jioની 5G સેવાનો વિસ્તાર આકાશ અંબાણીના નેતૃત્વમાં 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે Jio ટીમને નંબર વન સ્થાન હાંસલ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, Jio પ્લેટફોર્મ્સને ભવિષ્યમાં મોટી તકો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં યૂનિક ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે તૈયાર હોવા જોઈએ. દેશના દરેક ગામમાં 5G સેવા ઉપલબ્ધ થશે જેનાથી શહેરો અને ગામડાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈપણ ભારતીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા અને ઉચ્ચ ઉત્પાદકતાથી વંચિત નહીં રહે.


મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ઈશા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સનો રિટેલ બિઝનેસ ઝડપથી વિકસ્યો છે. હવે તેની પહોંચ ભારતમાં તમામ પ્રોડક્ટ બાસ્કેટમાં વ્યાપક અને ઊંડી બની છે. રિલાયન્સ રિટેલે છેલ્લા વર્ષમાં 2 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન કર્યું છે અને તે ભારતના અગ્રણી નોકરીદાતાઓમાંનું એક બની ગયું છે. શિસ્ત એ રિલાયન્સ રિટેલની સફળતાની ચાવી છે. રિલાયન્સ રિટેલ બિઝનેસ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ સુનિશ્ચિત કરી રહી છે તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું.