Digital Transaction: નાણાકીય વ્યવહારો માટે ડિજિટલ પદ્ધતિ અપનાવવાના મામલે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં તેણે હજી લાંબી મજલ કાપવાની બાકી હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. કન્ઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણ અનુસાર ડિજિટલ સાક્ષરતાના નીચાસ્તર, સલામતી અને ડેટા પ્રાઈવસીને કારણે ગ્રાહકોને ડિજિટલ લેવડ-દેવડ કરવામાં સંપૂર્ણ સાહજિકતાનો અનુભવ નથી થઈ રહ્યો. આ ઉપરાંત ઈ-વોલેટનો ઉપયોગ કરતાં ગ્રાહકોના જણાવ્યાં અનુસાર તેમને નેટવર્કની સમસ્યા, સર્વરની એરર તથા ફોન હેન્ગ થવા જેવી મુશ્કેલીઓનો છાશવારે સામનો કરવો પડે છે.


સીઈઆરસી દ્વારા વિવિધ પ્રકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે ગ્રાહકોનો પ્રતિભાવ અને ચિંતાઓ જાણવા માટે ઓનલાઈન ગ્રાહક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં 17થી 69 વર્ષની વયના ગ્રાહકોના પ્રતિભાવો જાણવા મળ્યાં હતાં.


સર્વેમાં સામે આવેલી વિગત



  • 94.4 ટકા ગ્રાહકો વિવિધ નાણાકીય વ્યવહારો માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતાં હતાં. 33.6 ટકાને એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જે માટે તેમણે બેન્કનો સંપર્ક કર્યો હતો અથવા કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. કેટલાંકના જણાવ્યાં અનુસાર બેન્ક સમક્ષ ફરિયાદ નોંધાવ્યા પછી પણ તેમના ખાતામાં નાણાં પરત જમાં થયાં નહોતાં.

  • 42.1 ટકા ગ્રાહકોના જણાવ્યાં અનુસાર તેમણે ક્યારેય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી. મોટાભાગના ગ્રાહકોને વાર્ષિક ફી અને લેટ પેમેન્ટ ફી વિશેની જાણકારી હતી. પરંતુ આશરે 24.3 ટકા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જીસ વિશે માહિતી નહોતી.

  • 75 ટકા ગ્રાહકોએ પેટીએમ, ગૂગલ પે, ફોનપે જેવા ઈ-વોલેટનો ઉપયોગ કર્યો હતો. તેમણે ફરિયાદના ઉકેલ માટેસંપર્કની ચોક્કસ વિગતો સહિતની ઈ-વોલેટ કંપનીઓનીસ્પષ્ટતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

  • 81.3 ટકાગ્રાહકોએ મુખ્યત્વે જ્ઞાનના અભાવે, ઊંચા જોખમની આશંકા તથા દેશમાં તેની કાયદેસરતા અંગેની સ્પષ્ટતાના અભાવે ક્રિપ્ટોકરન્સીમાં ક્યારેય રોકાણ નહોતું કર્યું અથવા તે અંગે વિચાર્યુ નહોતું.

  • ડિજિટલ પેમેન્ટના ઉપયોગની પેટર્ન અંગે એવુ નિરીક્ષણ કરાયું હતું કે કુલ સર્વેમાં ભાગ લેનારા ગ્રાહકો પૈકીના 23 ટકા ગ્રાહકો કરિયાણાની ખરીદી માટે માત્ર રોકડનો ઉપયોગ કરે છે. જ્યારે ફૂડ સહિત ઓનલાઈન ખરીદી માટે 18 ટકા હજી કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરે છે.

  • યુટિલિટી બિલ્સની ચૂકવણી માટે 50 ટકા લોકો ઓનલાઈન બેન્કિંગનો જ્યારે 10 ટકા લોકો ચેક અને 15 ટકા લોકો રોકડનો ઉપયોગ કરે છે. રોકાણ અંગેના વ્યવહારો કરવા માટે મોટાભાગના લોકો ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરે છે.