Indian Railways Food Menu: જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો રેલવે દ્વારા મુસાફરો માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાઓ સાંભળીને તમે પણ આનંદથી ઉછળી જશો. રેલવે બોર્ડે ટ્રેનમાં ઉપલબ્ધ ભોજનના મેનુમાં ફેરફાર કર્યા છે. રેલવે મુસાફરોને હવે પ્રવાસમાં પ્રાદેશિક વાનગીઓ પીરસવામાં આવશે. આ વાનગીઓમાં લિટ્ટી-ચોખાથી લઈને ઈડલી-સાંભાર સર્વ કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરતા જૈન સમાજના લોકો માટે શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.
હવે ડાયાબિટીસથી પીડિત મુસાફરોને ટ્રેનમાં બાફેલા શાકભાજી અને ઓટ્સ પણ પીરસવામાં આવશે. આખા અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડ દ્વારા ટ્રેનોમાં ઉપલબ્ધ ખોરાકના મેનૂમાં બરછટ અનાજની આઠ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ફેરફાર બાદ ટ્રેનોમાં બેબી ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, આ ફેરફાર આવતીકાલથી એટલે કે 26 ફેબ્રુઆરીથી તમામ પ્રીમિયમ ટ્રેન રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદે ભારતમાં લાગુ થશે.
રેલવે બોર્ડ દ્વારા ટ્રેનમાં ઉપલબ્ધ ભોજનના મેનુમાં ત્રણ વર્ષથી વધુ સમય બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 2019 માં, રેલ્વેએ ટ્રેનોના કેટરિંગ મેનૂમાં ફેરફાર કર્યો હતો. રેલવે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે આવતીકાલથી રેલવે મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પ્રાદેશિક લોકપ્રિય વાનગીઓનો આનંદ લઈ શકશે. લિટ્ટી-ચોખા, ઈડલી-સંભાર, ઢોસા, બડા પાવ, પાવ ભાજી, ભેલપુરી, ખીચડી, ઝાલમુડી, વેજ-નોન-વેજ મોમોઝ, સ્પ્રિંગ રોલ વગેરે પ્રાદેશિક વાનગીઓમાં મળશે.
જૈન સમુદાયના મુસાફરોને ડુંગળી અને લસણ વગરનું ભોજન આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય તો તે બાફેલા શાકભાજી, મિલ્ક-ઓટ્સ, મિલ્ક-કોર્ન ફ્લેક્સ, ઈંડાની સફેદ આમલેટ વગેરે લઈ શકે છે. ટ્રેનમાં સુગર ફ્રી ચા-કોફી પણ મળશે. દક્ષિણ ભારતીય ભોજનના શોખીન પ્રવાસીઓને રાગી લાડુ, રાગી કચોરી, રાગી ઈડલી, રાગી ઢોસા, રાગી પરંઠા, રાગી ઉપમા મળશે.