Stock Market Closing On 16th December: આ સપ્તાહે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. ભારતીય બજારમાં દિવસભર ઉથલપાથલ જોવા મળી હતી. બજાર ખુલ્યા બાદ સવારે ઘટીને લીલા નિશાન પર પરત ફર્યું હતું. પરંતુ આખો દિવસ બજારમાં તડકા-છાયાનો ખેલ ચાલુ રહ્યો હતો. આખરે, પ્રોફિટ બુકિંગે માર્કેટ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 461 પોઈન્ટ ઘટીને 61,337 પર અને નિફ્ટી 146 પોઈન્ટ ઘટીને 18,269 પોઈન્ટ પર બંધ થયો હતો. છેલ્લા બે દિવસના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીમાં 390 પોઈન્ટ્સ અને સેન્સેક્સમાં 1340 પોઈન્ટનો ઘટાડો થયો છે.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર હાઈ લો કેટલા ટકા ફેરફાર
BSE MidCap 25,739.21 26,084.84 25,677.93 -1.44%
BSE Sensex 61,337.81 61,893.22 61,292.53 -0.75%
BSE SmallCap 29,516.75 29,889.71 29,425.75 -0.96%
India VIX 14.07 14.22 12.4925 0.0246
NIFTY Midcap 100 32,010.10 32,492.20 31,924.10 -1.60%
NIFTY Smallcap 100 10,017.45 10,146.50 9,976.50 -0.63%
NIfty smallcap 50 4,459.10 4,505.00 4,434.75 -0.34%
Nifty 100 18,446.30 18,624.65 18,432.00 -0.85%
Nifty 200 9,659.35 9,759.40 9,653.20 -0.95%
Nifty 50 18,269.00 18,440.95 18,255.15 -0.79%

માર્કેટમાં આ ઘટાડાનાં તોફાનમાં કોઈ સેક્ટર ટકી શક્યું નથી. તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, એફએમસીજી, ફાર્મા, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરો પણ આ ઘટાડાથી અછૂતા રહ્યા ન હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે જ્યારે 44 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

 

જાણો ક્યા શેરોમાં જોવા મળ્યો ઉતાર ચઢાવ
ઘટાડા છતાં, જે શેરો તેજી સાથે બંધ થયા છે તેમાં ટાટા મોટર્સ 1.18 ટકા, એચડીએફસી બેન્ક 0.48 ટકા, એચયુએલ 0.30 ટકા, ટાટા સ્ટીલ 0.09 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 0.01 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ 3.58 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.75 ટકા, અદાણી પોર્ટ્સ 2.66 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.39 ટકા, BPCL 2.12 ટકા, SBI 2.05 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં મોટો ઘટાડો
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે. રોકાણકારોની સંપત્તિ રૂ. 3.30 લાખ કરોડ ઘટીને રૂ. 285.66 લાખ કરોડ થઈ છે. 3662 શેરમાં ટ્રેડિંગ થયું હતું, જેમાં માત્ર 1417 શેર જ વધ્યા હતા જ્યારે 2108 શેર ઘટીને બંધ થયા હતા.

બજારમાં કેમ આવ્યો ઘટાડો?
યુએસ શેરબજાર ગુરુવારે ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બજારને આશંકા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખી શકે છે, જે માંગમાં ઘટાડો કરશે અને મંદી તરફ દોરી જશે. આ કારણે એશિયાઈ બજારોમાં તે છવાયેલો રહ્યો, જેના કારણે ભારતીય બજાર પણ  તેની ઝપેટમાં આવી ગયું.