નવી દિલ્હીઃ આર્થિક મંદીના કારણે ટીકાનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદી સરકારને આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જૉર્જીવાના નિવેદને થોડી રાહત આપી છે. વાસ્તવમાં ક્રિસ્ટાલીના જૉર્જીવાએ કહ્યું કે, ભારતમાં આર્થિક મંદી હંગામી છે અને આવનારા સમયમાં તેમાં સુધારાની આશા છે. જૉર્જીવાએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2020માં આ વાત કરી હતી. જૉર્જીવાએ ઉભરતા બજારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ આગળ વધી રહ્યા છે.


તેમણે કહ્યુ કે, આપણે એક મોટા બજાર ભારતમાં ઘટાડો જોયો છે પરંતુ અમારુ માનવું છે કે આ અસ્થાયી છે અને આવનારા સમયમાં ગતિમાં સુધારો થઇ શકે છે. ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા કેટલાક અન્ય સારા બજાર પણ છે. તેમના મતે અનેક આફ્રિકન દેશ પણ સારુ  કરી રહ્યા છે. પરંતુ મેક્સિકો જેવા કેટલાક દેશ સારુ પ્રદર્શન કરી રહ્યા નથી.

ક્રિસ્ટાલિનાનું નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે આઇએમએફએ તાજેતરમાં જ ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાનો અંદાજ ઘટાડી દીધો હતો. આઇએમએફએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-2020માં ભારતનો જીડીપીનો દર ફક્ત 4.8 ટકા રહેશે.