નવી દિલ્હીઃ અમેરિકન ફૂડ અને બેવરેજીસ કંપની પેપ્સીકોના CEO ઈન્દ્રા નૂયી તેમનું પદ છોડવા જઈ રહ્યા છે. આશરે 12 વર્ષ સુધી કંપનીનો કારોબાર સંભાળ્યા બાદ તે 3 ઓક્ટોબરના રોજ પદ છોડશે. પેપ્સિકો દ્વારા સોમવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પેપ્સીકોના ઇતિહાસમાં ઇન્દ્રા નૂયી પ્રથમ મહિલા સીઇઓ હતા. નૂયીએ IIM કલકત્તામાંથી પાસ આઉટ કર્યું છે.
62 વર્ષીય નૂયીએ કંપની સાથે 24 વર્ષ સુધી કામ કર્યું છે. 3 ઓક્ટોબરનાં રોજ તે સીઈઓ પદ છોડી દેશે પરંતુ 2019ની શરૂઆત સુધી કંપનીના ચેરમેન પદે રહેશે. નૂયીની જગ્યાએ કંપનીના પ્રેસિડેન્ટ રેમન લાગુઆર્ટા લેશે.
નૂયીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતમાં રહેવા દરમિયાન મેં ક્યારેય કલ્પના કપણ નહોતી કરી કે આટલી પ્રતિષ્ઠિત કંપનીની પ્રમુખ બનીશ. પેપ્સીકોનું નેતૃત્વ એ ખરેખર મારું જીવનભરનું સન્માન રહ્યું છે અને માત્ર શેરહોલ્ડરોના હિતોને જ નહિ પરંતુ અમે જેમને સેવા આપી રહ્યા છે તે સમુદાયોમાં અમારા તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને આગળ વધારવા છેલ્લા 12 વર્ષમાં અમે જે કર્યું તેનું મને ખૂબ જ ગૌરવ છે.'
ઇન્દ્રા નૂયીના 12 વર્ષ નેતૃત્ત્વમાં પેપ્સીકોમાં ઘણો બદલાવ લાવ્યા છે. તેમણે પેપ્સીકોને તેના કોલા નામના પીણાં વેચતી કંપનીની ઇમેજથી આગળ વધારીને હુમ્મુસ, કોમ્બુચા અને અન્ય તંદુરસ્ત પ્રોડક્ટ્સ સુધી વિસ્તારી છે. ઈન્દ્રા નૂયીના પદ છોડવાના અહેવાલ બાદ પેપ્સિકોના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.