નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી સામાન્ય લોકો હજુ રાહત મળી નથી ત્યાં હવે ખાદ્ય તેલની મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આંકડા પર નજર કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં 50 ટકા સુધી વધારો થયો છે. 


ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઇટ પર આપેલા આંકડા મુજબ સીંગ તેલની કિંમતમાં આશરે 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સીંગ તેલનો સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂપિયા 120 હતો જ્યારે આ વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ 170 રૂપિયા છે. દિલ્હીમાં તેની કિંમત ગયા વર્ષે 10 માર્ચે લિટર દીઠ 162 રૂપિયા હતી જ્યારે આ વર્ષે 10 માર્ચે લિટર દીઠ 184 રૂપિયા છે.


 


રાજકોટમાં પણ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે.  સીંગતેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયાએ પહોંચ્યા છે.  કપાસિયા તેલમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બાના ભાવ 2020 એ પહોંચ્યા છે. ભાવ વધારાનું કારણ વેપારીઓ મગફળીની આવક ઓછી હોવાનું તેમજ માલની અછત સામે માંગ વધુ હોવાનું જણાવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં શનિવારે 10 રૂપિયાના ઘટાડા બાદ ફરી 15 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. 



ખાદ્યતેલના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવ આકાશને આંબી રહ્યા છે, જેના કારણે ભારતમાં પણ ભાવમાં વધારો થયો છે. એ જ રીતે સરસવના તેલના સરેરાશ ભાવમાં પણ આશરે 20 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 10 માર્ચે સરેરાશ ભાવ પ્રતિ લીટર રૂપિયા 120 હતો જ્યારે આ વર્ષે તે લિટર દીઠ રૂપિયા 142 છે.  દિલ્હીમાં સરસવનો ભાવ પ્રતિ લીટર રૂ. 120 થી વધીને 152 રૂપિયા થયો છે.