irctc new website: લાંબા સમયની રાહ જોયા પછી આખરે ભારતીય રેલવેએ મુસાફરોને એક મોટી ભેટ આપી છે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે IRCTC ની નવી વેબસાઇટનું 'બીટા વર્ઝન' લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ નવી વેબસાઇટ પર ટિકિટ બુકિંગની પ્રક્રિયાને એટલી આધુનિક અને સરળ બનાવી દેવાઈ છે કે હવે મુસાફરોનો ઘણો સમય બચશે. હાલમાં આ બીટા વર્ઝન જાહેર જનતા માટે ટેસ્ટિંગ અને તેમના ફીડબેક લેવા પૂરતું ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી લોકોના અનુભવ પરથી તેમાં ફાઈનલ સુધારા કરી શકાય.
તમને જણાવી દઈએ કે હાલની IRCTC વેબસાઇટ વર્ષ 2002 માં શરૂ કરવામાં આવી હતી, જે આજે રોજની સરેરાશ 1.45 મિલિયન (લગભગ 14.5 લાખ) ટિકિટ બુકિંગનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. હવે લગભગ 24 વર્ષ બાદ તેમાં સૌથી મોટો અને મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વેબસાઇટની ડિઝાઇનમાં જયપુરની MNIT ના વિદ્યાર્થીઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની એક ખાસ ચર્ચા દરમિયાન આ વિદ્યાર્થીઓએ કેટલાક શાનદાર સૂચનો આપ્યા હતા, જેના આધારે આ નવું યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ તૈયાર કરાયું છે. હાલમાં યુઝર્સ https://www.irctc.co.in/eticket/ અથવા વર્તમાન વેબસાઇટના હોમપેજ પર આપેલી લિંક પર ક્લિક કરીને આ બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે.
નવી વેબસાઇટમાં કયા 4 મોટા ફેરફારો જોવા મળશે?
ક્લીન ઇન્ટરફેસ અને કેપ્ચામાંથી મોટી રાહત: નવી વેબસાઇટ પહેલા કરતા ઘણી સ્વચ્છ અને આકર્ષક દેખાશે. તેમાંથી બિનજરૂરી પોપ-અપ્સ, ફ્લેશિંગ ગ્રાફિક્સ અને ધ્યાન ભટકાવતી વસ્તુઓ હટાવી દેવામાં આવી છે. સૌથી મોટી રાહત એ છે કે વારંવાર કેપ્ચા (Captcha) નાખવાની ઝંઝટ ઓછી કરવામાં આવી છે, જેનાથી ખાસ કરીને તત્કાલ ટિકિટ બુક કરાવનારા મુસાફરોને બુકિંગમાં થતો વિલંબ ટાળી શકાશે.
એક જ સ્ક્રીન પર તમામ ક્લાસની જાણકારી: અગાઉ અલગ-અલગ ક્લાસ (જેમ કે સ્લીપર, AC) ની સીટ ચેક કરવા માટે વારંવાર સર્ચ કરવું પડતું હતું. હવે નવી વેબસાઇટમાં મુસાફરોને એક જ સ્ક્રીન પર તમામ વર્ગોની સીટની ઉપલબ્ધતા એકસાથે જોવા મળી જશે.
આ પણ વાંચોઃ ટ્રેનમાં લોઅર બર્થ જોઈએ છે? IRCTCની આ જબરદસ્ત ટ્રીકથી ટિકિટ બુક કરાવો, કામ લાગશે
ફાસ્ટ ટિકિટ બુકિંગ: ટિકિટ બુકિંગની ચેકઆઉટ પ્રક્રિયામાં આવતા સ્ટેપ્સ અને બહુવિધ સ્ક્રીન્સ હવે ઘટાડી દેવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે ટિકિટ બુક કરવામાં હવે ઘણો ઓછો સમય લાગશે.
સરળ રીબુકિંગ સિસ્ટમ: જો તમે વારંવાર પોતાના પરિવાર કે એક જ મુસાફરો માટે ટિકિટ બુક કરતા હોવ, તો નવી વેબસાઇટ આ કામને સાવ સરળ બનાવી દેશે. આમાં મુસાફરોની વિગતો સેવ રહેશે, એટલે તમારે વારંવાર માહિતી દાખલ કરવાની મહેનત નહીં કરવી પડે.
નવી વેબસાઇટના બીટા વર્ઝનની સાથે સાથે, રેલવે તેનું નવું પેસેન્જર રિઝર્વેશન એન્જિન (PRE) પણ આધુનિક બનાવી રહ્યું છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયની યોજના મુજબ, બીટા વર્ઝનમાંથી મળેલા લોકોના ફીડબેક અને સૂચનોને ધ્યાનમાં રાખીને વેબસાઇટમાં જરૂરી સુધારા કરાશે. આગામી થોડા જ અઠવાડિયામાં આ નવું અને સંપૂર્ણપણે સંકલિત IRCTC પોર્ટલ તમામ યુઝર્સ માટે ફાઇનલ લાઈવ કરી દેવામાં આવશે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ આ નવી વેબસાઇટનો ઉપયોગ કરે અને પોતાના કિંમતી સૂચનો ચોક્કસથી શેર કરે.
આ પણ વાંચોઃ IRCTC ટિકિટ બુકિંગના નિયમો બદલાયા: હવે આ કામ વગર ટિકિટ બુક નહીં થાય, જાણો નવી ગાઈડલાઈન
