PIB Fact Check: 'સરકારી વ્લોગ' નામની યુટ્યુબ ચેનલનો એક વીડિયો ઇન્ટરનેટ પર સામે વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર 'કન્યા સુમંગલા યોજના' હેઠળ જેમના પરિવારમાં દીકરીઓ હોય તેમને દર મહિને 4,500 આપી રહી છે. જોકે સરકારના સૂચના પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા આ સમાચાર નકલી હોવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા આવો કોઈ દાવો કરવામાં આવી રહ્યો નથી.


PIB (Press Information Bureau) એ દાવાઓને નકારી કાઢ્યા અને ટ્વિટર પર જણાવ્યું કે, "આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી."


શું છે કન્યા સુમંગલા યોજના


કન્યા સુમંગલા યોજના એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નવીન નાણાકીય લાભ યોજના છે જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં કન્યાઓને સશક્ત કરવાનો છે. આ યોજના કન્યા સુમંગલા યોજના 2023 હેઠળ એક પરિવારમાં બે બાળકીઓના વાલીઓ અથવા માતાપિતાને નાણાકીય સહાય આપે છે.






આ પહેલા પણ અનેક દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એપ્રિલની શરૂઆતમાં, આવો જ એક યુટ્યુબ વીડિયો વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ લાડલી લક્ષ્મી યોજના હેઠળ, સરકાર દ્વારા દેશમાં દરેક બાળકીને 1.6 લાખ રૂપિયા આપવામાં આવે છે.


પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ (Press Information Bureau) આ ફેક ન્યૂઝને ફગાવી દીધો અને લખ્યું, "એક #YouTube વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા PM લાડલી લક્ષ્મી યોજના (sic) હેઠળ તમામ દીકરીઓને ₹1,60,000 ની રોકડ રકમ આપવામાં આવી રહી છે. " PIBએ વાયરલ યુટ્યુબ વીડિયોને નકલી ગણાવ્યો હતો. તેમાં વધુમાં જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી."