મુંબઈઃ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ થાળે પડી રહી છે અને શેરબજાર પણ સારું ચાલી રહ્યું છે. રોકાણકારોનો વિશ્વાસ જોઈને હવે કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં પડી છે ત્યારે કલ્યાણ જ્વેલર્સ જ્વેલરી ક્ષેત્રનો દેશનો સૌથી મોટો આઇપીઓ લાવી રહી છે. કંપનીએ આ અંગે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. આઇપીઓ દ્વારા રૂપિયા 1,750 કરોડ એકઠા કરવાનું કંપનીનું આયોજન છે. આ કંપનીની જાહેરખબરમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ચમકે છે.


કંપની દ્વારા ફાઇલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, આઇપીઓમાં 1 હજાર કરોડ રૂપિયાના શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે અને 750 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ રહેશે. આ ઓફર ફોર સેલ પ્રમોટર ટી. એસ. કલ્યાણરમન તથા હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હશે. કલ્યાણરમન તેમાં 250 કરોડ રૂપિયાના જ્યારે હાઇડેલ 500 કરોડ રૂપિયાના પોતાના શેર વેચશે. ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્રિત થનારી રકમનો કંપની રોજિંદા કામકાજ માટેની મૂડીની જરૂરિયાતો તથા જનરલ કોર્પોરેટના હેતુથી ઉપયોગ કરશે.

હાલ કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 76 ટકા છે જ્યારે 24 ટકા હિસ્સેદારી વારબર્ગ પિનકસ એલએલસી પાસે છે. વારબર્ગે 2014માં કલ્યાણ જ્વેલર્સમાં રૂપિયા 1,200 કરોડનું રોકાણ કર્યું હતું. 2017માં વારબર્ગે વધુ રૂપિયા 500 કરોડનું રોકાણ કર્યું હતું. માર્ચ, 2020 સુધીના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂપિયા 10,101 કરોડ હતી, કંપનીની આવક એક વર્ષમાં 3.3 ટકા વધી હતી.કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 145 કરોડ હતો. કંપનીના ભારતમાં 107 જ્યારે મધ્ય-પૂર્વના દેશોમાં 30 શોરૂમ છે.