Google Fire a Employee : આઈટી સેક્ટરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જોઈ રહ્યા હશો કે હજારો કર્મચારીઓને સતત અલવિદા કહેવામાં આવી રહી છે. ઓફિસોમાંથી હટાવવામાં આવ્યા બાદ કર્મચારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં પોતાનું દર્દ મૂકી રહ્યા છે. કેટલાક કર્મચારીઓ એવા છે કે જેઓ 15 થી 20 વર્ષ સુધી મોટી કંપનીમાં કામ કરે છે અને છતાં તેમને અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ટેક જોઈન્ટ ગૂગલે અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા છે. આ દરમિયાન એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે માનવતાને પણ શરમાવે તેવા છે.
Googleમાં વર્ષોથી 'વિડિયો પ્રોડક્શન મેનેજર' તરીકે કામ કરતા કર્મચારીને જ્યારે તે કેન્સરથી પીડિત તેની માતાની સેવાને કારણે રજા પર હતો ત્યારે ગૂગલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કર્મચારીને ઓફિસમાંથી હટાવવાની જાણ ત્યારે થઈ જ્યારે તે તેના લેપટોપમાંથી કંપનીમાં લોગઈન કરી રહ્યો હતો પરંતુ તેનું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું હતું. આવા જ ડઝનબંધ અહેવાલો છે જ્યાં કર્મચારીઓને અચાનક ખબર પડી કે કંપનીએ તેમને અલવિદા કરી દીધી છે.
આ વાત LinkedIn પર લખવામાં આવી છે
LinkedIn દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરતા કર્મચારીએ લખ્યું કે, ઓફિસમાંથી 12,000થી વધુ કર્મચારીઓને હટાવ્યા બાદ અન્ય કર્મચારીઓની દર્દનાક આપવીતિ અને પ્રેરણાદાયી લાઈન્સ વાંચ્યા બાદ આજે હું મારી પોતાની જ કહાની તમારી સાથે શેર કરી રહ્યો છું. પોલ બેકરે લખ્યું કે, તે તેની કેન્સરગ્રસ્ત માતાની સંભાળ રાખવા માટે રજા પર હતો જ્યારે તેને અચાનક ખબર પડી કે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. બેકરે બિઝનેસ ઇનસાઇડરને કહ્યું કે, તે ગૂગલમાં વધારે સ્ટાફિંગને લઈને ચિંતિત હતો પરંતુ તેને બિલકુલ ખ્યાલ નહોતો કે કંપની ખર્ચ ઘટાડવા માટે આવું પગલું ભરશે. તેને લાગ્યું કે તે સુરક્ષિત રહેશે કારણ કે તે 'Google Ads'નો એક ભાગ છે જે કંપનીની આવકનો મુખ્ય સ્ત્રોત છે.
તમને જણાવી દઈએ કે, 20 જાન્યુઆરીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે તેઓ 12000 કર્મચારીઓની છટણી કરી રહ્યા છે.
આ AI ટૂલ ગૂગલ માટે સમસ્યા બની ગયું
ઓપન AIના ચેટબોટ 'ચેટ GPT' Google માટે સમસ્યા બની રહી છે. ટેક સેક્ટર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે, આગામી 1થી 2 વર્ષમાં ચેટ GPT એક રીતે ગૂગલના સર્ચ બિઝનેસને ખતમ કરી શકે છે અથવા અડધો કરી શકે છે. ટેક જોઈન્ટ ગૂગલ પણ આને લઈને ધુંઆપુંઆ છે અને ઘણા AI પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. ઓપન એઆઈનો ચેટબોટ એટલુ સક્ષમ છે કે તે તમારા કોઈપણ પ્રશ્નોના જવાબ Google કરતાં વધુ સારી રીતે આપી શકે છે. Google પર કંઈપણ સર્ચ કરવાથી તમને ઘણી બધી લિંક્સ દેખાય છે, ચેટ GPTમાં આવું નથી. તે ટૂંકા શબ્દોમાં પ્રશ્નોના જવાબ આપે છે.