Layoffs News: ટેક સેક્ટરને પ્રથમ વૈશ્વિક મંદીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે તે ધીમે ધીમે અન્ય ક્ષેત્રોને પણ અસર થઇ રહી છે. અમેરિકાની પ્રખ્યાત ફેશન બ્રાન્ડએ સામૂહિક છટણીની જાહેરાત કરી છે. આ કંપનીનું નામ GAP છે. આ વખતે GAP એ કુલ 1,800 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કંપનીએ 500 કર્મચારીઓની છટણી કરી હતી. ગયા વર્ષની સરખામણીમાં છટણી કરાયેલા લોકોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.


ક્યા કર્મચારીઓને થશે અસર


છટણી વિશે માહિતી આપતી વખતે GAPએ  જણાવ્યું હતું કે કેટલાક ફિલ્ડ વર્કર્સ, કેટલાક પ્રાદેશિક સ્ટોર હેડ અને સ્ટોરમાં કામ કરતા લોકોને છટણી કરવામાં આવશે. જ્યારે તેના વેચાણમાં ઘટાડો નોંધાયો છે ત્યારે કંપનીએ છટણીની જાહેરાત કરી છે. કંપનીના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બોબ માર્ટિને જણાવ્યું હતું કે આ પગલાથી કંપનીને ઓછામાં ઓછા 300 મિલિયન ડોલરની બચત થશે. આ સાથે તેમણે કહ્યું કે અમે ગેપ ઇન્કના પ્રદર્શનને સુધારવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. તેની બ્રાન્ડ તેના ઓપરેશન મોડલ પર સતત કામ કરી રહી છે અને ગ્રાહકોને બહેતર અનુભવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.


સીઈઓએ માર્ચમાં છટણીનો સંકેત આપ્યો હતો


આ સાથે બોબ માર્ટિને કહ્યું કે કંપની માટે આ પગલું ભરવું જરૂરી છે. અમે કંપની તરફથી એવા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમણે ઘણા વર્ષો સુધી કંપનીની સેવા કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અગાઉ માર્ચમાં જ કંપનીના સીઈઓએ આગામી દિવસોમાં છટણી કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની તેના મેનેજમેન્ટમાં કર્મચારીઓની છટણી કરવા જઇ રહી છે. પરંતુ તે સમયે તેમણે કર્મચારીઓની સંખ્યા જાહેર કરી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા GAP  સપ્ટેમ્બરમાં 500 કર્મચારીઓને છૂટા કરી ચૂકી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, જાન્યુઆરી 2023 સુધીમાં કંપનીમાં કુલ 95,000 કર્મચારીઓ કામ કરતા હતા. આમાં રિટેલ સ્ટોર્સમાં કામ કરતા લોકોની સંખ્યા 81 ટકા છે અને બાકીના કર્મચારીઓ કોર્પોરેટ સ્તરે કામ કરે છે.


અમેઝોને છટણી શરૂ કરી


ગેપ સિવાય વિશ્વના સૌથી મોટા ઈ-કોમર્સ સ્ટોર અમેઝોને પણ મોટા પાયે છટણી કરવાનો નિર્ણય કર્યો છે. કંપની કુલ 9,000 કર્મચારીઓની છટણી કરવાની છે. આવી સ્થિતિમાં અમેઝોને રિટેલ, ડિવાઈસ અને એચઆર ડિપાર્ટમેન્ટ અને ક્લાઉડ સર્વિસમાં પણ પોતાના કર્મચારીઓને માહિતી આપવાનું શરૂ કરી દીધું છે.