તાજેતરમાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી સરકારી વીમા કંપની LICના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. ભલે અત્યાર સુધી શેરબજારમાં LICનું પ્રદર્શન ખાસ રહ્યું નથી, પરંતુ ફોર્ચ્યુન ગ્લોબલ 500 ની યાદીમાં તેણે અન્ય તમામ ભારતીય કંપનીઓને પાછળ છોડી દીધી છે. ભારતની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ LIC કરતાં ઘણી પાછળ રહી ગઈ છે.


LICને પ્રથમ વખત સ્થાન મળ્યું


પ્રથમ વખત LIC ને નવીનતમ ફોર્ચ્યુન ગ્લોબલ 500 યાદીમાં સ્થાન મળ્યું છે. આ વખતે યાદીમાં ભારતની 9 કંપનીઓને સ્થાન મળ્યું છે. તેમાંથી 5 કંપનીઓ સરકારી છે, જ્યારે બાકીની 4 કંપનીઓ ખાનગી ક્ષેત્રની છે. આવકના આધારે તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં LICને 98મું સ્થાન મળ્યું છે. લગભગ 97.27 બિલિયન ડોલરની આવક અને 553.8 મિલિયન ડોલર નફા સાથે કંપની ભારતમાં પ્રથમ ક્રમે છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં ભારતમાંથી બીજા સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા 19 વર્ષથી સતત આ યાદીનો ભાગ છે. વૈશ્વિક ધોરણે રિલાયન્સ 93.98 બિલિયન ડોલરની આવક અને 8.15 બિલિયન ડોલરના ચોખ્ખા નફા સાથે 104મા ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં 51 સ્થાનનો સુધારો થયો છે. એલઆઈસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત, જે ભારતીય કંપનીઓ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે, તેમાં બેંકિંગ ક્ષેત્રનું એકમાત્ર નામ એસબીઆઈ છે. જ્યારે ટાટા જૂથની બે કંપનીઓ ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલને પણ યાદીમાં સ્થાન મળ્યું છે.


આ સરકારી કંપનીઓને મળ્યું સ્થાન


ભારતમાંથી આ યાદીમાં સ્થાન મેળવનારી કંપનીઓમાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ 142મા સ્થાને છે. કંપનીના રેન્કિંગમાં એક વર્ષ પહેલાની સરખામણીએ 28 સ્થાનનો સુધારો થયો છે. બીજી તરફ સરકારી માલિકીની અન્ય એક કંપની ONGC 16 સ્થાનની છલાંગ લગાવીને 190મો રેન્ક મેળવવામાં સફળ રહી છે. જાહેર ક્ષેત્રની BPCLને 295મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં BPCLના રેન્કિંગમાં 19 સ્થાનનો સુધારો થયો છે. SBI 17 સ્થાનની છલાંગ લગાવીને 236મો રેન્ક મેળવવામાં સફળ રહી છે.


બંને ટોચના સ્થાને અમેરિકન કંપનીઓ


યાદીમાં સામેલ ખાનગી કંપનીઓ પર નજર કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ પર છે. આ સિવાય ટાટા ગ્રૂપની ટાટા મોટર્સ 370માં સ્થાને છે. ટાટા સ્ટીલ 435મું સ્થાન મેળવવામાં સફળ રહી છે. રાજેશ એક્સપોર્ટ્સને 437મું સ્થાન મળ્યું છે. યાદીમાં ટોચની 5 કંપનીઓમાં 2 અમેરિકાની છે જ્યારે ચીનની 3 કંપનીઓ ટોપ 5માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. અમેરિકન રિટેલર કંપની વોલમાર્ટ સતત 9મા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. જેફ બેઝોસની કંપની એમેઝોનને બીજું સ્થાન મળ્યું છે. આ એમેઝોનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રેટિંગ છે.


આ વર્ષની યાદીમાં ચીનની સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઈના ત્રીજા સ્થાને છે, જ્યારે ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશનને ચોથું સ્થાન મળ્યું છે. ચીનનું સિનોપેક ગ્રુપ આ યાદીમાં પાંચમા ક્રમે છે. આ યાદીમાં સાઉદી અરેબિયાની સાઉદી અરામકોને છઠ્ઠું સ્થાન મળ્યું છે. ફોક્સવેગન, ચાઇના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ, સીવીએસ હેલ્થ જેવી કંપનીઓ પણ ટોપ 10માં સામેલ છે.