લંડનઃ ભારતની બેંકોને 9000 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂનો લગાવીને લંડન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ભારતમાં લાવવામાં આવી શકે છે તેવા રિપોર્ટને ખુદ માલ્યાએ ફગાવી દીધા છે. માલ્યાએ આવા મીડિયા રિપોર્ટ પર કહ્યું, તેમને ખુદ ખબર હશે કે શું બોલી રહ્યા છે.


માલ્યાના પર્સનલ સેક્રેટરીએ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, આ વાતની અમારી પાસે કોઈ જાણકારી નથી કે તેમને ભારત લઈ જવામાં આવી રહ્યા છે. માલ્યાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મોકલેલા વોટ્સએપ મેસેજમાં કહ્યું, માત્ર મીડિયાને જ ખબર છે કે તેઓ શું કહી રહ્યા છે.

જે બાદ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનના સીનિયર અધિકારીએ પણ પુષ્ટિ કરી કે, માલ્યાને હાલ ભારત લાવવામાં નથી આવી રહ્યો. હાઈ કમીશનના અધિકારીએ કહ્યું, મીડિયાએ ક્યાંકથી સીબીઆઈનું જૂનું નિવેદન ઉઠાવી લીધું હતું. સ્થિતિ હાલ પણ પહેલા જેવી જ છે, હજુ સમય લાગશે.

કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા પર દેશની 17 બેંકોનું 9000 કરોડ રૂપિયાનું ઋણ છે. 2 માર્ચ, 2016ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ભારતીય એજન્સીઓએ યૂકેની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણની અપીલ કરી અને લાંબી લડાઈ બાદ બ્રિટનની કોર્ટે 14 મેના રોજ તેને ભારત પ્રત્યાર્પણની અપીલ પર મહોર લગાવી દીધી હતી. નિયમ મુજબ ભારત સરકારે આ તારીખથી 28 દિવસની અંદર માલ્યાને ભારત લાવવાનો હોય છે.