Loan EMI default rules: જો તમે કોઈપણ બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) પાસેથી પર્સનલ, હોમ કે કાર લોન લીધી હોય અને કોઈ આર્થિક તંગીના કારણે તમારો માસિક હપ્તો (EMI) સમયસર ચૂકવી શક્યા ન હોવ, તો સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ જોઈને મૂંઝવણમાં મુકાવાની બિલકુલ જરૂર નથી. ઘણા લોકોના મનમાં એવો ડર હોય છે કે હપ્તો બાઉન્સ થતાં જ બેંક તેમનો મોબાઈલ નંબર કે સિમ કાર્ડ બ્લોક કરી દેશે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આરબીઆઈ (RBI) ના નિયમો અનુસાર, જો કોઈ ગ્રાહક EMI નથી ચૂકવતો, તો બેંક પોતાની લેણી રકમ વસૂલવા માટે કાનૂની રસ્તો અપનાવી શકે છે, પરંતુ તેને ગ્રાહકનું સિમ કાર્ડ નિષ્ક્રિય કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી.
જોકે, બેંક સિમ કાર્ડ બ્લોક નથી કરી શકતી તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમે લોન ચૂકવવામાંથી બચી જશો, કારણ કે હપ્તો ન ભરવાના કારણે તમારા ક્રેડિટ પ્રોફાઇલને મોટું નુકસાન થાય છે. પ્રથમ તો, EMI ચૂકવવામાં નિષ્ફળ જતાં તમારો ક્રેડિટ સ્કોર (CIBIL Score) ખૂબ જ ખરાબ થઈ જાય છે, જેના કારણે ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવું લગભગ અશક્ય બની જાય છે. આ ઉપરાંત, મોડી ચુકવણી કરવા બદલ બેંકો ભારે પેનલ્ટી, લેટ ફી અને વધારાનું વ્યાજ પણ વસૂલ કરે છે, જે આખરે તમારા ખિસ્સા પર મોજો વધારે છે. જો તમે ગીરવે મૂકેલી લોન લીધી હોય અને ઘણા મહિનાઓ સુધી હપ્તો ન ભરો, તો બેંક તે પ્રોપર્ટી જપ્ત કરવાની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે.
સિમ કાર્ડ અથવા ફોનની સેવાઓ ક્યારે બંધ થઈ શકે, તેની પણ એક ખાસ શરત છે. જો તમે ફાઇનાન્સ અથવા EMI પર નવો જ મોબાઈલ ફોન ખરીદ્યો હોય, તો જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. આરબીઆઈ (RBI) અને ટેલિકોમ નિયમો મુજબ, આ કિસ્સામાં પણ બેંક કે ફાઇનાન્સ કંપની તાત્કાલિક કોઈ પગલાં લઈ શકતી નથી. જો ગ્રાહક સતત 90 દિવસ સુધી પોતાના મોબાઈલના હપ્તા ન ચૂકવે, ત્યારે જ કંપની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને ફોનની કેટલીક સેવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. જોકે, આવી સ્થિતિમાં પણ ઇનકમિંગ કોલ, ઇન્ટરનેટ અને ઇમરજન્સી (SOS) જેવી પ્રાથમિક સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી શકાતી નથી.
નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે જો ભવિષ્યમાં ક્યારેય આર્થિક તકલીફના કારણે લોનનો હપ્તો ભરવામાં મુશ્કેલી પડે, તો બેંકથી ભાગવા કે બાબત છુપાવવાને બદલે સીધો તમારી બેંક શાખાનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગની બેંકો ગ્રાહકની જેન્યુઈન સમસ્યા જોઈને લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring), હપ્તાની રકમ ઓછી કરવી અથવા લોનની મુદત વધારી આપવા જેવા શાનદાર વિકલ્પો આપે છે. વહેલી તકે બેંક સાથે વાતચીત કરવાથી તમે મોટી પેનલ્ટી અને ભવિષ્યના કાનૂની વિવાદોથી બહુ આસાનીથી બચી શકો છો.
આ પણ વાંચોઃ મિત્રની લોનમાં 'ગેરંટર' બનતા પહેલા સાવધાન: બેંક તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે!
