નવી દિલ્હીઃ એલપીજી સિલિન્ડરની કિંમત 15 દિવસમાં 100 રૂપિયા જેટલી વધી ગઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ હાલમાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે એલપીજી ગ્રાહકોએ વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. 16 ડિસેમ્બરે ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી હતી જે 15 દિવસની અંદર બીજો વધારો હતો.


બે સપ્તાહની અંદર જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 16 ડિસેમ્બરે 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગઈ હતી. વૈશ્વિક બજારમાં કિંમત વધ્યા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ મહિનામાં બીજો વધારો હતો.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જણાવવામાં આવેલ ભાવ અનુસાર દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમત 644 રૂપિયાવધી વધીને 694 રૂપિયા કરવામાં આવી છે. આ સિલિન્ડરની કિંમતમાં આ મહિને આ બીજો વધારો છે. આ પહેલા એક ડિસેમ્બરે પણ કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એવામાં માત્ર ડિસેમ્બરમાં મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમત 100 રૂપિયા વધી ગઈ છે.

પાંચ મહિના સુધી વધ્યા ન હતા ભાવ

જોકે આ પહેલા અંદાજે પાંચ મહિના સુધી એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત જુલાઈથી 594 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર જળવાઈ રહી હતી. આ રેટ સબસિડીવાળા સિલિન્ડર જેટલા જ હતા. પાંચમ મહિના સુધી 594 રૂપિયા પ્રતિ સિલિન્ડરની કિંમત રહ્યા બાદ માત્ર 15 દિવસમાં જ તેની કિંમત 694 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી છે. એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા દર 15 દિવસે કરવામાં આવે છે.

સબસિડીનું શું થયું?

જણાવીએ કે, સરકારે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડની કિંમતમાં ઘટાડો અને એલપીજી ગેસની કિંમતમાં વધારાને કારણે બજારમાં સમાનતા માટે રાંધણ ગેસ સબસિડી બંધ કરી દીધી હતી. હવે જ્યારે બજારમાં ફરીથી કિંમતમાં વધારો થયો છે ત્યારે એ જોવાનું રહેશે કે શું સરકાર સબસિડીનો લાભ આપશે કે નહીં. દેશના ચારમ મહાનગરો કોલકાતામાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 720.50 રૂપિયા, મુંબઈમાં 694 રૂપિયા, ચેન્નઈમાં 710 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. સ્થાનીક સ્તરે વેટના દર અલગ અલગ હોવાને કારણે ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.