LPG gas connection insurance India: ભારતમાં ઉજ્જવલા યોજના અને અન્ય સરકારી પહેલને કારણે હવે ગામડાંથી લઈને શહેરો સુધી LPG ગેસનો વપરાશ સામાન્ય બની ગયો છે. જોકે, બહુ ઓછા ગ્રાહકો એ વાતથી વાકેફ હોય છે કે તેમના રાંધણ ગેસ કનેક્શનની સાથે તેમને લાખો રૂપિયાનું વીમા કવચ (Insurance Cover) મફતમાં મળે છે. જ્યારે પણ તમે નવું કનેક્શન લો છો અથવા રિન્યુ કરાવો છો, ત્યારે આ પોલિસી આપોઆપ લાગુ થઈ જાય છે. આ માટે કોઈ અલગ ફોર્મ ભરવાની કે વધારાનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર હોતી નથી. આ લેખમાં આપણે જાણીશું કે અકસ્માતના સમયે આ વીમો કેવી રીતે પરિવારની મદદે આવી શકે છે.

Continues below advertisement

કેટલા રૂપિયાનું મળે છે વીમા કવચ?

સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ, ભારત ગેસ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HP) તેમના ગ્રાહકોને 'થર્ડ પાર્ટી લાયબિલિટી ઈન્સ્યોરન્સ' હેઠળ આવરી લે છે. જો ગેસ લીકેજ, આગ લાગવી કે સિલિન્ડર બ્લાસ્ટ જેવી દુર્ઘટના સર્જાય, તો ગ્રાહકને વળતર મળવાપાત્ર છે.

Continues below advertisement

કુલ કવરેજ: અકસ્માત દીઠ મહત્તમ ₹50 લાખ સુધીનું વળતર મળી શકે છે.

મૃત્યુના કિસ્સામાં: દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ દીઠ ₹6 લાખ નું અકસ્માત કવર મળે છે.

મેડિકલ ખર્ચ: ઈજાગ્રસ્તોની સારવાર માટે મહત્તમ ₹30 લાખ (જેમાં વ્યક્તિ દીઠ ₹2 લાખ ની મર્યાદા) મળે છે.

પ્રોપર્ટી ડેમેજ: ઘર કે મિલકતને નુકસાન થાય તો ₹2 લાખ સુધીનો દાવો કરી શકાય છે.

ક્લેમ કરવા માટે આ શરતોનું પાલન જરૂરી

આ વીમાનો લાભ લેવા માટે ગ્રાહકે સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. જો તમારી ભૂલ હશે તો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.

ISI માર્ક: તમારા ગેસ કનેક્શનમાં વપરાતી પાઈપ, રેગ્યુલેટર અને ગેસ સ્ટવ ફરજિયાતપણે ISI માર્કાવાળા હોવા જોઈએ.

અધિકૃત ડીલર: આ સાધનો અધિકૃત એજન્સી પાસેથી જ ખરીદેલા હોવા જોઈએ.

સમયમર્યાદા: અકસ્માત થયાના 30 દિવસની અંદર પોલીસ અને ગેસ એજન્સીને જાણ કરવી ફરજિયાત છે.

વીજળી વ્યવસ્થા: ગેસ કનેક્શનની આસપાસ કોઈ ખુલ્લા વાયર કે શોર્ટ સર્કિટની શક્યતા ન હોવી જોઈએ.

ક્લેમ કરવાની સાચી પ્રક્રિયા શું છે?

જો દુર્ભાગ્યવશ કોઈ અકસ્માત થાય, તો ગભરાવાની જરૂર નથી.

સ્ટેપ 1: સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો અને તમારા ગેસ ડિસ્ટ્રીબ્યુટરને લેખિતમાં જાણ કરો.

સ્ટેપ 2: વીમા કંપનીના સર્વેયર ઘટનાસ્થળની મુલાકાત લેશે અને તપાસ કરશે.

સ્ટેપ 3: તમારે FIR ની નકલ, મેડિકલ બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ (મૃત્યુના કિસ્સામાં) અને ગેસ કનેક્શનના પેપર્સ ડિસ્ટ્રીબ્યુટરને આપવાના રહેશે.

નોંધ: ગ્રાહકે સીધી વીમા કંપનીમાં જવાની જરૂર નથી, આખી પ્રક્રિયા ડિસ્ટ્રીબ્યુટર મારફતે થાય છે. વધુ વિગતો માટે તમે mylpg.in વેબસાઈટની પણ મુલાકાત લઈ શકો છો.