LPG cylinder expiry date code: આપણા ઘરમાં આવતા LPG ગેસ સિલિન્ડર પર તમે ઘણીવાર A, B, C કે D અક્ષર સાથે 21, 24 જેવા આંકડા લખેલા જોયા હશે. મોટાભાગના લોકો આ કોડને માત્ર કોઈ સામાન્ય નંબર સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, અને કેટલાકને તો ખબર જ નથી હોતી કે આ શું છે. પરંતુ, શું તમે જાણો છો કે આ કોડ સીધો તમારી અને તમારા પરિવારની સુરક્ષા સાથે જોડાયેલો છે? ખરેખર, આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ (ટેસ્ટિંગની છેલ્લી તારીખ) દર્શાવે છે. હવે જ્યારે પણ તમારા ઘરે ગેસનો બાટલો આવે, ત્યારે માત્ર તેનું વજન જ નહીં, પરંતુ તેની એક્સપાયરી ડેટ પણ ચોક્કસથી ચેક કરો, જેથી કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માતથી બચી શકાય.

Continues below advertisement

A, B, C અને D નો અર્થ શું થાય છે?

સિલિન્ડરની ઉપરના ભાગે, જ્યાં પકડવાની લોખંડની ગોળ પટ્ટી હોય છે, ત્યાં અંદરની બાજુએ આ કોડ લખેલો હોય છે. આ કોડ સિલિન્ડરના ટેસ્ટિંગનો મહિનો અને વર્ષ દર્શાવે છે:

Continues below advertisement

A નો અર્થ: જાન્યુઆરી થી માર્ચ

B નો અર્થ: એપ્રિલ થી જૂન

C નો અર્થ: જુલાઈ થી સપ્ટેમ્બર

D નો અર્થ: ઓક્ટોબર થી ડિસેમ્બર

અંગ્રેજી અક્ષર પછી લખેલો નંબર વર્ષ દર્શાવે છે.

ઉદાહરણ તરીકે: જો સિલિન્ડર પર C-21 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે આ સિલિન્ડરનું ટેસ્ટિંગ જુલાઈ થી સપ્ટેમ્બર 2021 સુધીમાં માન્ય હતું. જો આ સમય વીતી ગયો હોય, તો તે સિલિન્ડર એક્સપાયર ગણાય. એ જ રીતે A-24 લખ્યું હોય તો સિલિન્ડરનું ટેસ્ટિંગ જાન્યુઆરી થી માર્ચ 2024 સુધી માન્ય ગણાય.

આ ટેસ્ટિંગ કેમ આટલું જરૂરી છે?

LPG સિલિન્ડરોની સમયાંતરે સુરક્ષા તપાસ (સેફ્ટી ચેકિંગ) થવી ખૂબ જરૂરી છે. આ ચેકિંગમાં જોવામાં આવે છે કે સિલિન્ડર ક્યાંયથી લીક તો નથી થતો ને, તેને કાટ તો નથી લાગ્યો ને કે તેની બોડી નબળી તો નથી પડી ગઈ ને! જો નક્કી કરેલી તારીખ પછી પણ વગર ટેસ્ટિંગે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે, તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણા લોકો ઉતાવળમાં કોડ જોયા વગર જ બાટલો લઈ લે છે, જેનાથી ભવિષ્યમાં ગેસ લીકેજ કે બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે.

સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે કઈ 4 બાબતો ચેક કરશો?સૌથી પહેલા લોખંડની પટ્ટી પર લખેલો એક્સપાયરી કોડ ચેક કરો.

સિલિન્ડરનું રેગ્યુલેટર યોગ્ય રીતે ફિટ થાય છે કે નહીં તે ચકાસો.

ઘરમાં લાગેલી ગેસની પાઇપ લીક નથી તે સુનિશ્ચિત કરો.

સિલિન્ડરનું સીલ ખોલતા જ ગેસની ગંધ તો નથી આવતી ને, તે ખાસ જુઓ.

આ પણ વાંચોઃ LPG ગેસ સપ્લાય બંધ થઈ જશે? e-KYCના નવા નિયમો અંગે સરકારે કરી મોટી સ્પષ્ટતા

શું એક્સપાયર થયેલો સિલિન્ડર પરત આપી શકાય?

હા, બિલકુલ! જો ડિલિવરી વખતે તમને એક્સપાયર થઈ ગયેલો (તારીખ વીતી ગઈ હોય તેવો) સિલિન્ડર આપવામાં આવે, તો તમે તેને લેવાની સ્પષ્ટ ના પાડી શકો છો અને તેની જગ્યાએ નવો સિલિન્ડર માંગી શકો છો. આ એક ગ્રાહક તરીકે તમારો કાયદેસરનો અધિકાર છે. ખુદ ગેસ કંપનીઓ પણ ગ્રાહકોને અપીલ કરે છે કે સિલિન્ડર સ્વીકારતા પહેલા હંમેશા તેની એક્સપાયરી તારીખ ચેક કરવાની આદત પાડો.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડરના e-KYC અંગે મોટા સમાચાર: જાણો કોણે વેરિફિકેશન કરાવવું પડશે, કોને મુક્તિ?