LPG cylinder price: આજે એટલે કે 1 જુલાઈ 2024ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થયો છે. મોદી સરકાર 3.0નો કાર્યકાળ શરૂ થયા પછી એલપીજીના દરમાં આ પ્રથમ ફેરફાર છે. આજે દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે કોલકાતામાં 31 રૂપિયા અને મુંબઈ ચેન્નઈમાં પણ લગભગ એટલું જ સસ્તું થયું છે. એલપીજી ગેસના ભાવમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના દર બદલાયા નથી. એલપીજી સિલિન્ડરના આ દરો ઇન્ડિયન ઓઇલ પાસેથી લેવામાં આવ્યા છે.


દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા અને કોમર્શિયલની 1676 રૂપિયાથી ઘટીને આજે 1646 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 14.2 કિલોનું એલપીજી સિલિન્ડર આજે કોઈ ફેરફાર વિના 829 રૂપિયામાં મળશે. જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર આજથી 31 રૂપિયા સસ્તું 1756 રૂપિયામાં મળશે. ચેન્નઈમાં કોમર્શિયલ સિલિન્ડર આજથી 1840.50 રૂપિયાને બદલે 1809.50 રૂપિયામાં મળશે. અહીં ઘરેલુ સિલિન્ડર 818.50 રૂપિયામાં મળી રહ્યું છે. મુંબઈની વાત કરીએ તો અહીં પણ ઘરેલુ સિલિન્ડર 802.50 રૂપિયાનું જ છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે.


બિહારની રાજધાની પટનામાં 14.2 કિલોનું ઇન્ડેનનું એલપીજી સિલિન્ડર આજે 901 રૂપિયામાં મળી રહ્યું છે. જ્યારે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1915.5 રૂપિયા થઈ ગયું છે. ગુજરાતના અમદાવાદમાં 19 કિલોનું નીલું સિલિન્ડર હવે માત્ર 1665 રૂપિયામાં મળશે. જ્યારે 14 કિલોનું ઘરેલુ એલપીજી લાલ સિલિન્ડર 810 રૂપિયાનું છે.


1 જૂન 2023ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા હતી. 30 ઓગસ્ટ 2023ના રોજ 200 રૂપિયાની રાહત મળી અને ભાવ થઈ ગયો 903 રૂપિયા. 9 માર્ચ 2024ના રોજ ફરી એકવાર સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થઈ ગયું. આજથી મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1598 રૂપિયાનું થઈ ગયું છે. પહેલા આ 1629 રૂપિયામાં મળી રહ્યું હતું.