LPG Price Reduced: પેટ્રોલ અને ડીઝલની સ્થિર કિંમત વચ્ચે LPG સિલિન્ડરની કિંમતમાં મોટી રાહત મળી છે. આ વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો થયો છે. તેનાથી મોંઘવારીનું સ્તર ઘટાડવામાં મદદ મળશે. 1 જુલાઈના રોજ ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા ભાવ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 198 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
જાણો આજના લેટેસ્ટ રેટ
દિલ્હીમાં 30 જૂન સુધી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 2219 રૂપિયામાં મળતો હતો. જેની કિંમત 1 જુલાઈથી ઘટીને 2021 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, કોલકાતામાં 2322 રૂપિયાની સામે હવે આ સિલિન્ડર 2140 રૂપિયામાં મળશે. મુંબઈમાં તેની કિંમત 2171.50 રૂપિયાથી ઘટીને 1981 રૂપિયા અને ચેન્નાઈમાં 2373 રૂપિયાથી ઘટીને 2186 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ઓઈલ કંપનીઓ તરફથી ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કંપનીઓ દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી. દિલ્હીમાં 14.2 કિલોનો ગેસ સિલિન્ડર 1003 રૂપિયામાં મળી રહ્યો છે.
સિલિન્ડર 300 રૂપિયાથી પણ સસ્તું
અગાઉ, કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1 જૂને 135 રૂપિયા સસ્તું થયું હતું. આ રીતે છેલ્લા એક મહિનામાં સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. મે મહિનામાં સિલિન્ડરના ભાવ વધીને 2354 રૂપિયા થઈ ગયા હતા. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લે 19 મેના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.
મે મહિનામાં ભાવમાં થયો હતો વધારો
તમને જણાવી દઈએ કે, જૂનમાં ઈન્ડેનનું કોમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થયું હતું, જ્યારે મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને બે વાર આંચકો લાગ્યો હતો. 7મી મેના રોજ ઘરેલુ સિલિન્ડરના દર મહિનામાં પ્રથમ વખત 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને 19 મેના રોજ પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
સિલિન્ડર દીઠ રૂ.200ની સબસિડી
મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી જ મળશે. સરકારના આ પગલાથી 9 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થયો છે.