LTC rule change 2025: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક ભેટ આપી છે. રજા યાત્રા કન્સેશન (LTC)ના નિયમોમાં ફેરફાર કરીને હવે તેઓ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી અત્યાધુનિક અને લક્ઝરી ટ્રેનોમાં પણ મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને દેશભરમાં મુસાફરી કરવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.
અગાઉ, સરકારી કર્મચારીઓ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઈ-એન્ડ ટ્રેનોમાં એસી કોચમાં મુસાફરી કરી શકતા હતા. હવે આ યાદીમાં 241 વધુ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 136 વંદે ભારત એક્સપ્રેસ, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. આ સાથે, હવે કર્મચારીઓ કુલ 385 ટ્રેનોમાં LTC હેઠળ મુસાફરી કરી શકશે.
કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT) દ્વારા LTC હેઠળ વિવિધ પ્રીમિયમ ટ્રેનો અંગે તમામ ઓફિસો અને કર્મચારીઓના સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, તમામ સ્તરના સરકારી કર્મચારીઓ હવે તેમની રજા યાત્રા કન્સેશન (LTC)નો લાભ લઇ શકશે અને અત્યાધુનિક ટ્રેનોમાં મુસાફરીનો આનંદ માણી શકશે.
આ નિર્ણય અંતર્ગત, કર્મચારીઓ હવે 241 વધારાની ટ્રેનો માટે LTCનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં જ્યાં આ ટ્રેનો ચાલે છે, ત્યાં સરકારી કર્મચારીઓ LTC હેઠળ ટિકિટ બુક કરાવી શકશે.
તેજસ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં LTC હેઠળ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે અને મુસાફરી પાછળ ખર્ચાયેલા પૈસા સરકારી કર્મચારીઓની યોગ્યતા અનુસાર પરત કરવામાં આવશે.
સરકારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મુસાફરી કરવા માટે LTCની સમયમર્યાદા પણ બે વર્ષ માટે લંબાવી છે. હવે આ યોજના 26 સપ્ટેમ્બર 2024 થી 25 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે. આ યોજના હેઠળ, સરકારી કર્મચારીઓ આ પસંદગીના સ્થળોની મુસાફરી કરવા માટે તેમના હોમ ટાઉન LTCની અવેજીમાં તેનો ઉપયોગ કરી શકે છે.
કયા કર્મચારીઓને કયા સ્તરની છૂટ મળશે તે નીચે મુજબ છે
લેવલ 11 અને તેનાથી નીચેના કર્મચારીઓ વંદે ભારત, તેજસ અને શતાબ્દી જેવી ટૂંકા અને મધ્યમ અંતરની ટ્રેનોમાં ચેર કારમાં મુસાફરી કરી શકશે.
લેવલ 12 અને તેનાથી ઉપરના કર્મચારીઓ આ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ચેર કારમાં મુસાફરી માટે પાત્ર ગણાશે.
રાજધાની જેવી લાંબા અંતરની ટ્રેનોમાં, લેવલ 12 અને તેનાથી ઉપરના કર્મચારીઓ સેકન્ડ એસીમાં મુસાફરી કરી શકશે.
લેવલ 6 થી 11 સુધીના કર્મચારીઓ પાસે સેકન્ડ એસીમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જ્યારે લેવલ 5 અને તેનાથી નીચેના કર્મચારીઓ થર્ડ એસીમાં મુસાફરી કરી શકશે.
LTC શું છે?
LTC એ સરકારી કર્મચારીઓને આપવામાં આવતો મુસાફરીનો લાભ છે, જેના દ્વારા તેઓ ચાર વર્ષના સમયગાળામાં ભારતમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. પાત્ર કર્મચારીઓ રાઉન્ડ ટ્રીપ માટે ટિકિટ રિફંડ અને પગાર સાથે રજા મેળવવા માટે હકદાર છે. કર્મચારી અને તાલીમ વિભાગના જણાવ્યા અનુસાર, કર્મચારીઓએ દર બે વર્ષમાં બે વાર હોમ ટાઉન LTCનો લાભ લેવો જરૂરી છે, જેમાં એક વખત તેમના હોમ ટાઉનનો પ્રવાસ અને બીજી વખત ભારતમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકાય છે.
આ પણ વાંચો...
GSRTCમાં વર્ગ-3ની ભરતીને લઈ મોટા સમાચાર, સરકારે લાયકાતમાં કર્યો ફેરફાર, જાણો નવો નિયમ