નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્લાન્ટમાં 17 દિવસ સુધી કોઇ પણ પ્રકારનું પ્રોડક્શન થશે નહીં. કંપનીએ આ નિર્ણય એવા સમયમાં લીધો જ્યારે દેશની ઓટો ઇન્ડસ્ટ્રી મંદીના કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. નોંધનીય છે કે મહિન્દ્રા દેશની બીજા નંબરની ઓટો કંપની છે જેણે પ્લાન્ટ પ્રોડક્શન કાપના કારણે બંધ કરી રહી છે. આ અગાઉ સાત અને નવ સપ્ટેમ્બરના રોજ મારૂતિ સુઝુકીના માનેસર અને ગુરુગ્રામના પ્લાન્ટમાં પ્રોડક્શનમાં ઘટાડો કર્યો હતો. જ્યારે હિંદુજા જૂથની પ્રમુખ કંપની અશોક લેલેન્ડ 16 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના મતે મહિન્દ્રાના શેર બજારને પોતાના પ્લાન્ટ બંધ કરવા સંબંધિત જાણકારી આપી છે. મહિન્દ્રાએ કહ્યું કે, આ ત્રિમાસિક ગાળા દરમિયાન 3 દિવસ પ્રોડક્શન કરવામાં આવશે નહીં. વાસ્તવમાં છેલ્લા નવ ઓગસ્ટથી કંપનીએ દેશના અલગ અલગ પ્લાન્ટમાં 14 દિવસ સુધી પ્રોડક્શન બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે કંપનીએ વધારાના 3 દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની વાત કરી છે.
આ સાથે જ મહિન્દ્રાએ કહ્યું કે, તે આ મહિનાના અંત સુધીમાં કૃષિ ઉપકરણ ક્ષેત્રમાં એકથી ત્રણ દિવસ સુધી ઉત્પાદન બંધ રાખશે. વાહનોનો યોગ્ય સ્ટોક હોવાના કારણે કંપનીને લાગતુ નથી કે પ્રોડક્શન બંધ કરવાની બજારમાં તેમના વાહનોની ઉપલબ્ધતા પર અસર પડશે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં મહિન્દ્રાના કુલ વેચાણમાં 25 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. કંપનીનું વેચાણ ઘટીને 36,085 વાહન રહી ગયા છે. છેલ્લા વર્ષે ઓગસ્ટમાં મહિન્દ્રાના 48324 વાહનો વેચાયા હતા.