આવતા મહિનાની પહેલી તારીખથી મોબાઇલ નંબર સહિત દૂરસંચારના નિયમો બદલાવાના છે. સરકારે છેતરપિંડી જેવા કેસો પર અંકુશ લગાવવા માટે દૂરસંચારના નિયમોમાં સુધારો કરીને તેને કડક બનાવ્યા છે. સુધારેલો કાયદો 1 જુલાઈ 2024થી અમલમાં આવવાનો છે.


આ અંગે સંચાર મંત્રાલયે શુક્રવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (નવમો સુધારો) નિયમન, 2024 1 જુલાઈથી લાગુ થવાનું છે. નિવેદન અનુસાર, ભારતીય દૂરસંચાર નિયમનકારી પ્રાધિકરણ એટલે કે ટ્રાઈએ નવો કાયદો 14 માર્ચ 2024ના રોજ જારી કર્યો હતો. હવે તે અમલમાં આવવા જઈ રહ્યો છે.


મંત્રાલયનું કહેવું છે કે કાયદામાં કરવામાં આવેલો સુધારો ગુનાખોર તત્વો દ્વારા સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટનો ઉપયોગ કરીને મોબાઇલ નંબર પોર્ટ કરવાના કિસ્સાઓ પર અંકુશ લગાવવા માટે છે. આ સુધારેલા કાયદા હેઠળ એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે મોબાઇલ નંબર પોર્ટ કરવા માટે માંગવામાં આવતા યુનિક પોર્ટિંગ કોડ એટલે કે યુપીસીને લગતી છે.


આવી રિક્વેટ રિજેક્ટ થશે


મંત્રાલયે જણાવ્યું છે કે નવા કાયદાએ યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને નકારવાનો અધિકાર આપ્યો છે. ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં યુનિક પોર્ટિંગ કોડની વિનંતીને નકારી શકાય છે, જેમાં સિમ સ્વેપ અથવા રિપ્લેસ કર્યાના 7 દિવસની અંદર પોર્ટ કોડની વિનંતી મોકલવામાં આવી હોય. આનો અર્થ એ થયો કે સિમ સ્વેપ અથવા સિમ રિપ્લેસમેન્ટ પછી ઓછામાં ઓછા 7 દિવસ પસાર થયા પછી જ મોબાઇલ નંબર પોર્ટ કરવું શક્ય બનશે.


સરકારે છેતરપિંડી પર અંકુશ લગાવવા માટે ઘણા ફેરફારો કર્યા છે, જે 1 જુલાઈથી અમલમાં આવી રહ્યા છે. 1 જુલાઈથી થનારા કેટલાક મુખ્ય ફેરફારો આ પ્રમાણે છે...


હવે એક આઈડી પર માત્ર 9 સિમ કાર્ડ લઈ શકાય છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કિસ્સામાં આ મર્યાદા 6 સિમ કાર્ડની છે.


મર્યાદાથી વધુ સિમ કાર્ડ લેવા પર ભારે દંડ લાગશે. પ્રથમ વખત ઉલ્લંઘન પર 50 હજાર રૂપિયાનો અને બીજી વખત ઉલ્લંઘન પર 2 લાખ રૂપિયાનો દંડ લાગશે.


ખોટી રીતે કોઈ અન્ય વ્યક્તિની આઈડી પર સિમ કાર્ડ લેવા પર 3 વર્ષની જેલ અને 50 લાખના દંડ જેવી ભારે સજા થઈ શકે છે.


યુઝરની સંમતિ વિના કંપનીઓ કમર્શિયલ મેસેજ મોકલી શકશે નહીં. નિયમ તોડવા પર 2 લાખ સુધીનો દંડ ચૂકવવો પડશે.


કટોકટીની સ્થિતિમાં સરકાર સમગ્ર ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને પોતાના હાથમાં લઈ શકશે. સરકાર કૉલ અને મેસેજને ઇન્ટરસેપ્ટ પણ કરી શકશે.