Internet Service : ભારતીય બજારમાં મોબાઈલ સર્વિસ પ્રવાઈડર કંપનીઓ વચ્ચે ભારે હરીફાઈ છે. તેમાં હવે એક નવું નામ ઉમેરાઈ શકે છે અને તે છે બીએસએનએલ. કેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પુન:જીવિત કરવા માટે રૂ. 89,000 કરોડના પુનરુત્થાન યોજનાને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ BSNLની 4G અને 5G સેવાઓને વધારવા માટે કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારનું માનવું છે કે, ટેલિકોમમાં સરકારી PSU તેના વ્યૂહાત્મક મહત્વને કારણે વિકાસ પામવું જોઈએ.
આ કંઈ પહેલીવાર નથી મળ્યું પેકેજ
જો કે, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ BSNL માટે આ પહેલું રિવાઇવલ પેકેજ નથી. ટેલિકોમ PSUને નફાકારક કંપનીમાં ફેરવવા માટે કેન્દ્રએ જુલાઈ 2022માં પણ BSNLને 4G અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે પુનરુત્થાન પેકેજ આપ્યું હતું. પેકેજ એડવાન્સ સર્વિસ અને ગુણવત્તા, BSNLની બેલેન્સ શીટ યોગ્ય બનાવવા અને BSNLના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કના વિસ્તરણ પર કેન્દ્રિત હતું. સરકારે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ને પણ BSNL સાથે મર્જ કરી દીધું છે.
Jio બાદ હાલત થઈ ખરાબ
ભલે સરકાર BSNLના પુનરુદ્ધારની વાત કરી રહી છે, પરંતુ એક સમયે તે આ કંપનીને વેચવાની પણ તૈયારી કરી રહી હતી. પરંતુ કોઈ ખરીદદાર ન મળતાં તેના પુનરુત્થાનનો વિચાર આવ્યો હતો. તેનું કારણ એ પણ છે કે, BSNL પર ઘણું દેવું આવી ગયું હતું. બીજી તરફ માર્કેટમાં Jioની એન્ટ્રીને કારણે મોટા દિગ્ગજોની હાલત કફોડી થઈ ગઈ છે અને ઘણા તો માર્કેટમાંથી બહાર પણ ફેંકાઈ ગયા છે. બીજી તરફ એમટીએનએલ પણ ભારે ખોટમાં ચાલી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે MTNLને BSNL સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે.
એમટીએનએલના શેરમાં તેજી જોવા મળી
BSNLના રિવાઇવલ પેકેજના સમાચાર બાદ MTNLના શેરમાં તેજી આવી છે. હાલમાં કંપનીનો શેર 13 ટકાના વધારા સાથે રૂ.22.43 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, કંપનીનો શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 22.58 પર પહોંચ્યો હતો. આજે કંપનીનો શેર 19.90 રૂપિયા પર ખુલ્યો હતો. મંગળવારે કંપનીનો શેર રૂ. 19.94 પર બંધ થયો હતો. હાલમાં કંપનીનું માર્કેટ કેપ 1,426.32 કરોડ રૂપિયા છે.