ટેલીકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાના એલાન બાદ હવે મોદી સરકારે ગ્રાહકો માટે ઘણી સુવિધાઓનું એલાન કર્યુ છે. સંચાર મંત્રાલયે જાહેર કરેલા એક આદેશમાં જાહેર કરીને નવા મોબાઈલ સીમ લેવા અને પ્રિપેડથી પોસ્ટપેડ અને પોસ્ટપેડથી પ્રીપેડમાં ફેરફારના નિયમોને ખુબ જ સરળ બનાવવાનું એલાન કર્યું છે.


સંચાર મંત્રાલયથી જાહેર આદેશ મુજબ જો આપ ઘર બેઠા નવું મોબાઈલ સિમકાર્ડ લેવા ઈચ્છતા હોય તો હવે એ સંભવ થઈ શકશે. જે માટે આપે ફક્ત તેની કંપનીની એપ અથવા વેબસાઈટ પર આવેદન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતા સમયે ગ્રાહકોને એક વૈકલ્પિક નંબર આપવો પડશે. જેના પર ઓટીપી મોકલીને સત્યતાની તપાસ કરી શકાશે.


જાણો શું કરવું પડશે


અરજદારે તેના ફોર્મ પર તેનો ફોટોગ્રાફ અને વીડિયો પણ અપલોડ કરવો પડશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આપેલ સરનામાં પર ગ્રાહકને નિષ્ક્રિય સિમ આપવામાં આવશે અને અમુક પ્રક્રિયાઓ અને ચકાસણીઓ પૂર્ણ કરીને સિમ કાર્ડ સક્રિય કરી શકાય છે.


જે ગ્રાહકો બજારમાં જાય છે અને મોબાઇલ સર્વિસ કંપનીની દુકાન અથવા શોરૂમમાંથી નવું મોબાઇલ સિમકાર્ડ લે છે તે ગ્રાહકોને મોટી સગવડ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આ માટે કોઈપણ દસ્તાવેજની જરૂર રહેશે નહીં. હાલમાં, સિમ મેળવવા માટે આધાર અથવા અન્ય કોઇ દસ્તાવેજ અરજી સાથે જમા કરાવવાના રહેશે.


આધારનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોની સંમતિ ફરજિયાત છે


હવે નવા મોબાઇલ કનેક્શન માટે આધારમાંથી પ્રાપ્ત માહિતી દ્વારા જ ગ્રાહકોને નવું સિમ આપી શકાય છે. મોબાઈલ કંપનીઓએ આધારમાંથી માહિતી મેળવવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 રૂપિયા ખર્ચ કરવો પડશે. આ કિસ્સામાં પણ આધારનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોની સંમતિ મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે.


એ જ રીતે, મોબાઇલ પ્રીપેડ કનેક્શનને પોસ્ટપેડ અથવા પોસ્ટપેડ કનેક્શનને પ્રિપેઇડમાં રૂપાંતરિત કરવું ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું છે. આ માટે, ઓટીપી દ્વારા જ વેરિફિકેશન કરવું પડશે.