Diwali Muhurat Trading 2024: સંવત 2081ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર વેગ સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. ખાસ એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગના અવસર પર, BSE સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યો. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ 500 પોઇન્ટના ઉછાળા સાથે 79,893 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 150 પોઇન્ટના ઉછાળા સાથે 24,353 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
વધતો અને ઘટતો સ્ટોક
આજના કારોબારમાં માર્કેટમાં તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એનર્જી બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. આજના ટ્રેડિંગમાં ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.92 ટકા, ટાટા મોટર્સના શેરમાં 1.35 ટકા, NTPCના 1.18 ટકા, એક્સિસ બેન્કના શેરમાં 1.11 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 0.94 ટકાનો વધારો થયો છે. ઘટી રહેલા શેરોમાં સન ટીવી 1.16 ટકા, ડૉ. રેડ્ડીઝ 0.75 ટકા, ડૉ. લાલ પથલેબ 0.77 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ
આજના સત્રમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 448.83 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 444.73 લાખ કરોડ હતું. સંવત 2081ના પ્રથમ દિવસે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.10 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે, સંવત 2080 અને સંવત 2081 વચ્ચે, ભારતીય શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 128 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં સંવત 2080માં રોકાણકારોએ સૌથી વધુ કમાણી કરી છે.
રોકાણકારોને નવી સંવતની સલાહ
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ પર વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. NSEના MD અને CEO આશિષ ચૌહાણે રોકાણકારોને દિવાળીના અવસર પર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે નવું સંવત 2081 અગાઉના સંવત 2080 કરતાં પણ વધુ સારું હોવું જોઈએ. રોકાણકારોને પૈસા તમારા છે અને તેને વધુ સારી રીતે રોકાણ કરો એવી સલાહ આપતા તેમણે ટીપ્સ, અફવાઓ, વોટ્સએપ મેસેજ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. ઉપરાંત, જે રોકાણકારોને ડેરિવેટિવ્ઝનું જ્ઞાન નથી તેમને તેમાં વેપાર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : UPI: ઓક્ટોબરના તહેવારોના મહિનામાં UPIનો ભારે ઉપયોગ થયો, 23.5 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ટ્રાન્ઝેક્શન થયા