નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઈ કોમર્સ માર્કેટમાં ઝંપલાવ્યું છે. કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે માય જિઓ માર્ટ લઈને આવી છે. આ વાતનો ખુલાસો Livemintના એક અહેવાલમાં થયો છે. તેમાં કંપનીના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું ચે કે, માય જિઓ માર્ટ હાલમાં કેટલીક જગ્યાઓ પર ઉપલબ્ધ થશે તેમાં નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સામેલ છે. જિઓ માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિઓ ટેલિકોમ યુઝર્સને આમંત્રણ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. કંપનીએ જિઓ માર્ટને 'દેશની નવી દુકાન' ગણાવી છે.



રિલાયન્સ રિટેલે સત્તાવાર રીતે તેના લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે, આવનારા સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, 'અમે જિઓ માર્ટ લોન્ચ કરી દીધું છે. આ માટે જિઓ યુઝર્સને ડિસ્કાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા આમંત્રણ અપાયું છે. હાલમાં તે ત્રણ સ્થળોએ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. જિઓ માર્ટ એપ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.'

આ અગાઉ 12 ઓગસ્ટના રોજ યોજાયેલી એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ટૂંક સમયમાં કરિયાણા બજારનો નક્શો બદલવા જઈ રહ્યું છે. રિલાયન્સ દેશમાં દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટૂ-ઓનલાઈ ઈ-કોમર્સ બજાર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. રિલાયન્સે તેને ન્યૂ કોમર્સ નામ આપ્યું છે.