દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાય છે. આજે 1 સપ્ટેમ્બરના રોજ કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા પર પડી શકે છે. આ ફેરફારોમાં LPG કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડ ચાર્જ સુધીના ઘણા નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારી દૈનિક જરૂરિયાતો તેમજ તમારા ખિસ્સાને અસર કરશે. આવી સ્થિતિમાં આ ફેરફારો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે આજથી શું બદલાઈ રહ્યું છે.?

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

તેલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ 1 સપ્ટેમ્બરથી 1580 રૂપિયા કરવામાં આવ્યો છે. 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

SBI એ પસંદગીના કાર્ડ્સ માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફારો આજથી એટલે કે 1 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. આ નિયમ હેઠળ કેટલાક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જે લોકો પાસે આ કાર્ડ છે તેઓ ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઇટ્સ પરના ટ્રાન્જેક્શન સંબંધિત ખર્ચ પર કોઈ રિવોર્ડ પોઈન્ટ મેળવી શકશે નહીં.

ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ

સરકાર ચાંદી માટે ફરજિયાત હોલમાર્કિંગ રજૂ કરવા જઈ રહી છે. આનાથી પારદર્શિતા વધશે, પરંતુ કિંમતો પર અસર થઈ શકે છે. તેનો હેતુ ચાંદી બજારમાં શુદ્ધતા અને કિંમતમાં એકરૂપતા લાવવાનો છે. આનાથી વિશ્વસનીયતા વધશે.

ITR ફાઇલિંગ

ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 જૂલાઈ, 2025 હતી, જે આવકવેરા વિભાગ દ્વારા 15 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આ કારણોસર તમારે 15 સપ્ટેમ્બર પહેલા ITR ફાઇલ કરવી જોઈએ. જો તમે આમ નહીં કરો તો તમને નોટિસ મળી શકે છે.

UPS

NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં યુનિફાઇડ પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેને પસંદ કરવાની છેલ્લી તારીખ અગાઉ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. જો કે, હવે તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.