નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કના કૌભાંડના મુખ્ય આરોપી અને હિરા વેપારી નીરવ મોદી બ્રિટનમાં રાજકીય શરણ લેવા માંગે છે. એક પ્રતિષ્ઠિત અખબારના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અખબારમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને બ્રિટનના અધિકારીઓએ નીરવ મોદી બ્રિટનમાં હોવાની પુષ્ટી કરી છે. 13 હજાર કરોડ રૂપિયાથી વધુના પંજાબ નેશનલ કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી ફરાર છે. ભારતીય તપાસ એજન્સીઓ તેની શોધ કરી રહ્યા છે. સમાચાર એજન્સી રોયટર્સે જ્યારે બ્રિટનના ગૃહ મંત્રાલય સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે નીરવ મોદી વિશે કોઇ જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નીરવ મોદીએ રાજકીય ઉત્પીડનના આધાર પર બ્રિટન પાસે રાજકીય શરણ માંગ્યું છે. ભારતીય સરકાર પર નીરવ સિવાય અન્ય એક કારોબારી વિજય માલ્યાને પણ પાછા લાવવાનું દબાણ છે જે પણ બ્રિટનમાં છે.
નીરવ મોદીએ ભારત છોડ્યું ત્યારે ભારત સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો હતો અને કેન્દ્રિય તપાસ એજન્સીઓએ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી. નીરવ મોદીએ 2010માં ગ્લોબ ડાયમંડ જ્વેલેરી હાઉસની શરૂઆત કરી હતી અને તેનું નામ પોતાના નામ પરથી રાખ્યું હતુ.
પોલીસે મે મહિનામાં 25 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી, પૂર્વ પીએનબી ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્ક ડિરેક્ટર્સ અને નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો સામેલ છે.