લંડનઃ પંજાબ નેશનલ બેન્કને લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનારા હિરાના વેપારી નીરવ મોદીને લંડન હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે આ મામલાની સુનાવણી પુરી થયા બાદ આજે કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. આ અગાઉ વેસ્ટમિસ્ટર કોર્ટ સતત ત્રણ વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી ચૂકી છે.
19 માર્ચના રોજ 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપમાં નીરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરી હતી. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયત્નો કરી રહી છે. નિર્ણય સંભળાવતા હાઇકોર્ટના જસ્ટિસે કહ્યું કે, એમ માનવામાં પુરતા પુરાવા છે કે નીરવ મોદી જામીન મળ્યા બાદ ફરીથી કાયદા સામે સમર્પણ કરશે નહીં.
સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલ ક્લેયર મોન્ટગોમેરીએ દલીલ કરી હતી કે નીરવ મોદી લંડનમાં મૂડી એકઠી કરવા આવ્યા છે. જો તેમને જામીન મળશે તો તેમણે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી ટેગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે આ મારફતે તેમને ટ્રેક કરવામાં આવી શકે છે. તેમની સામે પ્રત્યાર્પણનો કેસ શરૂ થઇ ગયો છે જેથી ભાગવાનો સવાલ પેદા થતો નથી. તેમના દીકરા અને દીકરી ઇગ્લેન્ડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે જેથી તેઓ આવતા જતા રહેશે.
નીરવ મોદીના વકીલની દલીલ પર ભારત સરકારનો પક્ષ રાખી રહેલા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે કહ્યું કે, આરોપ કૌભાંડ અને ગુનાહિત કૃત્યના છે. જેના પર જજે કહ્યું કે, આ આરોપ છે. એક નક્કી સમયમર્યાદામાં ઉકેલવવો પડશે. નોંધનીય છે કે 19 માર્ચના રોજ નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.