નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નોટબંધી બાદ આવેલ 2000ની નોટ પણ હવે બંધ થવા જઈ રહી છે. દાવો છે કે બજારમાં સરકાર તરફથી 1000ની નોટ લાવવાની તૈયારી થઈ રહી છે. આ દાવામાં સોશિયલ મીડિયા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


જોકે આ વાઇરલ મેસેજ અફવા છે. એસબીઆઈ અને અન્ય બેંકો સ્પષ્ટતા કરી ચૂકી છે કે બજારમાં રહેલ 2000ની નોટ બંધ નથી થઈ રહી. થોડા સમય પહેલા આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે, બે હજાર રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ બજારમાં રહેલ 2000ની નોટ પરત નહીં લેવામાં આવે.

આ મામલે હાલમાં ચાલી રહેલ સંસદ સત્રમાં સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.

ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ ઠાકુરે આ મુદ્દે જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 8 નવેમ્બર 2016ને નોટબંધીનો નિર્ણય કરતા 500 રૂપિયા અને 1000 રૂપિયાની જુની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે 500 અને 2000 રૂપિયાની નોટો નવી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વાર્ષિક રીપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે. અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.