nps gratuity rules 2025: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ (Government Employees) માટે ગ્રેચ્યુટીના નિયમોમાં મોટી સ્પષ્ટતા કરી છે, જે ઘણા લોકો માટે ઝટકા સમાન હોઈ શકે છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે ગ્રેચ્યુટીને 'વન-ટાઈમ ટર્મિનલ બેનિફિટ' ગણવામાં આવશે. એટલે કે, જો કોઈ કર્મચારી નિવૃત્તિ અથવા સૈન્ય સેવા બાદ ફરીથી નોકરીમાં જોડાય છે, તો તેને બીજી વાર ગ્રેચ્યુટીનો લાભ મળશે નહીં. જોકે, PSU માંથી આવતા કર્મચારીઓ માટે નિયમોમાં થોડી રાહત આપવામાં આવી છે.
26 ડિસેમ્બર, 2025 નો નવો આદેશ શું છે?
કેન્દ્ર સરકારના પેન્શન વિભાગે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનરો માટે ગૂંચવણભરી પરિસ્થિતિ દૂર કરી છે. તારીખ 26 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગ્રેચ્યુટી એ સેવાની પૂર્ણાહુતિ પર મળતો એકમાત્ર લાભ છે. સરકારનું કહેવું છે કે એક જ વ્યક્તિને અલગ-અલગ સમયગાળાની સેવા માટે વારંવાર આ લાભ આપી શકાય નહીં. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર અસર કરશે જેઓ નિવૃત્તિ બાદ પુનઃરોજગાર (Re-employment) મેળવે છે.
'વન-ટાઈમ ટર્મિનલ બેનિફિટ' નો અર્થ શું છે?
સરકારી પરિભાષા મુજબ, ગ્રેચ્યુટી (Gratuity) હવેથી એક વખતનો ટર્મિનલ લાભ ગણાશે. સરળ ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેની સેવાની કદરરૂપે તેને એક રકમ ચૂકવવામાં આવે છે. નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારીએ નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ કે અન્ય કારણસર એકવાર ગ્રેચ્યુટી મેળવી લીધી છે, તો તેને ફરીથી સરકારી સેવામાં જોડાયા બાદ બીજી વખત ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે નહીં.
સૈન્યમાંથી આવતા કર્મચારીઓ પર અસર
આ નિયમની સૌથી મોટી અસર એવા લોકો પર પડશે જેઓ મિલિટરી સર્વિસ પૂરી કરીને સિવિલ સેવામાં જોડાય છે. અગાઉ ઘણા કિસ્સામાં અસમંજસ હતી, પરંતુ હવે સ્પષ્ટ છે કે જો કોઈ વ્યક્તિએ પોતાની અગાઉની લશ્કરી સેવા દરમિયાન ગ્રેચ્યુટી ઉપાડી લીધી હોય, તો તેઓ બીજી નોકરીમાં જોડાયા બાદ ફરીથી ગ્રેચ્યુટીનો દાવો કરી શકશે નહીં. એટલે કે, નિવૃત્તિ (Retirement) બાદ ફરી નોકરી કરનારાઓને હવે ડબલ લાભ નહીં મળે.
PSU કર્મચારીઓ માટે સારા સમાચાર અને શરતો
જોકે, આ નિયમોમાં એક અપવાદ પણ છે. જો કોઈ કર્મચારી અગાઉ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) અથવા કોઈ સ્વાયત્ત સંસ્થામાં કામ કરતો હોય અને ત્યાંથી રાજીનામું આપીને કેન્દ્ર સરકારમાં જોડાય છે, તો તેમને રાહત મળી શકે છે. આવા કિસ્સામાં યોગ્ય મંજૂરી સાથે જોડાયેલા કર્મચારીઓને કેન્દ્ર સરકારની નોકરી માટે અલગથી ગ્રેચ્યુટી મળી શકે છે.
પરંતુ અહીં એક શરત છે: બંને નોકરીઓની ગ્રેચ્યુટીનો સરવાળો સરકાર દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાથી વધવો જોઈએ નહીં. રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારમાં આવતા કર્મચારીઓ માટે પણ તેમની જૂની અને નવી સેવાને જોડીને ગ્રેચ્યુટી ગણવામાં આવશે, જેની ટોચમર્યાદા નિશ્ચિત રહેશે.