NPS Withdrawal Rules Changing:  નેશનલ પેન્શન સિસ્ટમના ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, NPS ખાતાધારકો માટે ખાતામાંથી રૂપિયા ઉપાડવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ખાતાધારકોને આવતા મહિનાથી જમા રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડવાની છૂટ હશે.


આ પરિસ્થિતિઓમાં ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાય છે


પેન્શન રેગ્યુલેટર PFRDA દ્વારા 12 જાન્યુઆરી, 2024ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, NPS ખાતાધારકો બાળકોના શિક્ષણ, લગ્ન ખર્ચ, મકાન ખરીદવા, તબીબી ખર્ચ વગેરે માટે તેમના ખાતામાં જમા કરાયેલી રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડી શકશે. આ સિવાય તમારો પોતાનો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે NPS ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાશે. ખાતાધારક અને એમ્પ્લોયર બંનેના યોગદાનની રકમ આમાં સામેલ છે. નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.


NPS ખાતામાંથી આ રીતે રૂપિયા ઉપાડો


જો નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ધારક તેના ખાતામાંથી આંશિક ઉપાડ કરવા માંગે છે તો આ માટે તમારે પહેલા સેફ ડિક્લેરેશન સાથે વિડ્રોલ રિક્વેસ્ટ કરવી પડશે. જો કોઈ ખાતાધારક કોઈ બીમારીથી પીડિત હોય તો માસ્ટર સર્ક્યુલરના પેરા 6(ડી) હેઠળ તેના પરિવારના સભ્યને આંશિક ઉપાડ માટે વિડ્રોલ રિક્વેસ્ટ સબમિટ કરવાનો અધિકાર મળે છે. ખાતાધારકે વિડ્રોલ રિક્વેસ્ટ કરતી વખતે રૂપિયા ઉપાડવાના કારણ વિશે માહિતી આપવી પડશે. આ પછી CRA (સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી) આ વિડ્રોલ રિક્વેસ્ટની તપાસ કરશે અને પછી તેની પ્રક્રિયા કરવામાં આવશે. જો બધી માહિતી સાચી જણાશે તો થોડા દિવસોમાં ખાતાધારકના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે.


ખાતામાંથી રૂપિયા ઉપાડવાની આ શરતો પૂરી કરવી જરૂરી છે



  1. NPS ખાતામાંથી વિડ્રોલ કરવા માટે તમારું ખાતું ઓછામાં ઓછું 3 વર્ષ કે તેથી વધુ જૂનું હોવું જોઈએ.

  2. ઉપાડેલી રકમ ખાતામાં જમા કરાયેલા ભંડોળના એક ચતુર્થાંશથી વધુ ન હોવી જોઈએ.

  3. સબ્સ્ક્રાઇબર ફક્ત ત્રણ વખત ખાતામાંથી આંશિક ઉપાડ કરી શકે છે.