Ola Electric layoffs 2025: ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિક ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આ વખતે કંપની લગભગ 1,000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરશે. આ છટણીનો નિર્ણય કંપની દ્વારા ફ્રન્ટ-એન્ડ કામગીરીને પુનર્ગઠન અને સ્વચાલિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
આ પહેલાં, ઓલા ઇલેક્ટ્રિકે નવેમ્બર 2024માં લગભગ 500 કર્મચારીઓની છટણી કરી હતી. આમ, પાંચ મહિનાના ટૂંકા ગાળામાં કંપની બીજી વખત મોટા પાયે છટણી કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ આ છટણી અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમણે સંકેત આપ્યો હતો કે આ નિર્ણય માર્જિન સુધારવા, ખર્ચ ઘટાડવા અને ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.
ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારી ફ્રન્ટ-એન્ડ કામગીરીને પુનઃસંગઠિત અને સ્વચાલિત કરી છે, જેના કારણે માર્જિનમાં સુધારો થયો છે, ખર્ચમાં ઘટાડો થયો છે અને ગ્રાહકોને વધુ સારો અનુભવ મળી રહ્યો છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સારી કાર્યક્ષમતા માટે બિન-આવશ્યક ભૂમિકાઓને નાબૂદ કરવામાં આવી છે.
ઓલા ઇલેક્ટ્રિક દ્વારા છટણીનો આ બીજો રાઉન્ડ એવા સમયે શરૂ થઈ રહ્યો છે જ્યારે કંપનીએ વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી (EBITDA) માર્જિનમાં લગભગ 10 ટકાનો વધારો કરવા માટે પગલાં લીધા છે. આ ઉપરાંત, કંપની ગ્રાહક સેવા વ્યવસ્થાપન અને ઇન્વેન્ટરીમાં પણ સુધારો કરી રહી છે.
નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરમાં ઓલા ઇલેક્ટ્રિકને રૂ. 564 કરોડની ખોટ થઈ હતી, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ. 376 કરોડનું નુકસાન થયું હતું. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 1,045 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,296 કરોડ હતી.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2023 થી ઓગસ્ટ 2024 વચ્ચે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (CCPA)માં ઓલા ઇલેક્ટ્રિક વિરુદ્ધ 10,644 ફરિયાદો મળ્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, કંપનીનો દાવો છે કે તેણે 99.1 ટકા ફરિયાદોનું નિરાકરણ કર્યું છે.
શેરબજારમાં આવેલા મોટા ઘટાડા વચ્ચે કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં જોરદાર ધબડકો થયો છે. તમને જણાવી દઈએ કે એક મહિનામાં શેરમાં 27% થી વધુનો ઘટાડો થયો છે. સોમવારે શેરનો બંધ ભાવ રૂ. 55.12 હતો. ગયા વર્ષે કંપની શેરબજારમાં લિસ્ટ થઈ હતી. શેરનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો હતો.
આ પણ વાંચો....
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?