Old Pension Scheme: ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવા અંગે વિચાર ના કરે. આ યોજનાના કારણે તેમનો ખર્ચ અનેકગણો વધી જશે અને અસહ્ય બની જશે. RBIએ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમના વચનો પર ચિંતા વ્યક્ત કરી હત. તેમણે રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે જનતાને આકર્ષવા માટે આપવામાં આવેલા વચનોને કારણે તેમના નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. OPS સરકારી તિજોરી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.


કેટલાક રાજ્યોમાં OPS લાગુ કરવામાં આવ્યું છે, કેટલાકમાં વિચારણા ચાલી રહી છે


તાજેતરમાં કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરી છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. તેમજ કર્ણાટકમાં પણ OPS લાવવાની ચર્ચા ચાલી રહી છે. RBIએ રાજ્યોને નવી પેન્શન યોજના (NPS) ચાલુ રાખવાની સલાહ આપી છે. આરબીઆઇએ પોતાના રિપોર્ટ 'સ્ટેટ ફાયનાન્સઃ અ સ્ટડી ઓફ બજેટ્સ ઓફ 2023-24' બહાર પાડીને ચેતવણી આપી હતી કે જો તમામ રાજ્યો OPS ફરીથી લાગુ કરશે તો તેમના પર નાણાકીય દબાણ લગભગ 4.5 ગણું સુધી વધી જશે. OPS જીડીપી પર નકારાત્મક અસર કરશે. આના પર વધારાના ખર્ચનો બોજ 2060 સુધીમાં જીડીપીના 0.9 ટકા સુધી પહોંચી જશે.


વિકાસના કામો માટે પૈસા નહીં મળે


આરબીઆઈના રિપોર્ટ અનુસાર, જે રાજ્યોએ ઓપીએસને ફરીથી લાગુ કર્યું છે અને તેના પર અન્ય રાજ્યોએ તેને લાગુ કરવાની વિચારણા કરી દીધી છે. જો આમ થશે તો રાજ્યો પર નાણાકીય બોજ વધશે અને વિકાસના કામો પર થતા ખર્ચમાં ઘટાડો થશે. આરબીઆઈએ કહ્યું કે ઓપીએસ પાછળ જવાનું પગલું છે. આનાથી અગાઉના સુધારાના લાભો ભૂંસાઇ જશે. આનાથી ભાવિ પેઢીને નુકસાન થાય તેવી ભીતિ પણ છે. રિપોર્ટ અનુસાર, OPSની છેલ્લી બેચ 2040ની શરૂઆતમાં નિવૃત્ત થશે અને તેમને 2060 સુધી પેન્શન મળતું રહેશે.


આવકમાં વધારો કરો, લોકપ્રિય વચનો ન આપો - RBI


આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ લોભામણા વચનો દ્વારા ખર્ચ વધારવાને બદલે આવક વધારવાનું સૂચન કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ તેમની કમાણી વધારવા વિશે વિચારવું જોઈએ. રાજ્યોએ રજિસ્ટ્રેશન ફીસ, સ્ટેમ્પ ડ્યુટી, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, કર સંગ્રહ વધારવા અને કરચોરી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સિવાય પ્રોપર્ટી, એક્સાઈઝ અને ઓટોમોબાઈલ પર ટેક્સ રિન્યુ કરવા પર ધ્યાન આપવું જોઈએ જેનાથી તેમની આવકમાં વધારો થશે.