Paytm IPO: ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની Paytm ના 16,600 કરોડ રૂપિયાના IPO ને બજાર નિયામક SEBI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સેબીએ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને મંજૂરી આપી છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આશા છે કે કંપની આ મહિનાના અંત સુધીમાં ઓફર લાવી શકે છે.
સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "સેબીએ Paytmના IPOને મંજૂરી આપી છે." Paytm ને 1.47-1.78 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની અપેક્ષા રાખે છે. યુએસ વેલ્યુએશન નિષ્ણાત અશ્વથ દામોદરને કંપનીના અનલિસ્ટેડ શેરની કિંમત પ્રતિ શેર 2,950 રૂપિયા રાખી છે.
ઇશ્યુ દ્વારા 8,300 કરોડ રૂપિયાના નવા શેર ઓફર કરવામાં આવશે
કંપનીના DRHP મુજબ, Paytm આઈપીઓમાંથી આશરે રૂ. 16,600 કરોડ એકત્ર કરશે. તેમાં ફ્રેશ ઇક્વિટીમાંથી રૂ. 8,300 કરોડ અને ઓફર ફોર સેલ (OFS)માંથી રૂ. 8,300 કરોડનો સમાવેશ થાય છે. સોફ્ટ બેન્ક, વોરેન બફેટ અને ઇએનટી ઇન્વેસ્ટમેન્ટ જેવા અનુભવી રોકાણકારોએ પેટીએમમાં નાણાંનું રોકાણ કર્યું છે. Paytm પાસે 2 કરોડથી વધુ વેપારીઓ છે.
દેશનો સૌથી મોટો IPO
Paytmનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અગાઉ, અત્યાર સુધીના સૌથી મોટા IPO નો રેકોર્ડ કોલ ઇન્ડિયા પાસે હતો. તેણે 2010માં પબ્લિક ઓફર દ્વારા આશરે રૂ. 15,500 કરોડ એકત્ર કર્યા હતા. Paytmના મોટા રોકાણકારોમાં ચીનના અલીબાબા અને એન્ટ ગ્રુપનો સમાવેશ થાય છે, જેઓ મળીને 38 ટકા હિસ્સો ધરાવે છે. જાપાનની સોફ્ટ બેંક 18.73 ટકા હિસ્સો ધરાવે છે. એલિવેશન કેપિટલમાં 17.65 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે Paytmના ફાઉન્ડર અને CEO વિજય શેખર શર્મા હવે કંપનીના પ્રમોટર નહીં રહે. તેઓ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ચાલુ રહેશે.